HomeGujaratમોરબી મનપાના ફૂડ વિભાગની ચેકિંગ કાર્યવાહી: 15 વેપારીઓને નોટિસ, અખાદ્ય સામગ્રીનો નાશ

મોરબી મનપાના ફૂડ વિભાગની ચેકિંગ કાર્યવાહી: 15 વેપારીઓને નોટિસ, અખાદ્ય સામગ્રીનો નાશ

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ એક વર્ષ પછી ફૂડ વિભાગની રચના કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજે ફૂડ ઓફિસર તથા તેમની ટીમે શહેરની અલગ-અલગ જગ્યાઓ પર આવેલ હોટલ, રેસ્ટોરાં, મીઠાઈ-ફરસાણની દુકાનો, ડેરી અને ફૂડ સ્ટોલોમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન વેપારીઓ પાસે ફૂડ લાયસન્સ છે કે નહીં, ખાણી-પીણીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા તેમજ સ્વચ્છતા બાબતે ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું પાલન ન કરનાર અંદાજે 15 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની મોમાઈ ડેરી, ખોડીયાર ડેરી અને મોમાઈ ડેરી એન્ડ બેકરીમાં દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સ્થળ પર કરાયેલી પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત જણાઈ ન હોવાનું ફૂડ વિભાગે જણાવ્યું હતું.

મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ દરમ્યાન અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ એક વેપારી પાસેથી અંદાજે 500 ગ્રામ અખાદ્ય કલર મળી આવતા તે પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તમામ વેપારીઓને તેમના વ્યવસાય સ્થળે સ્વચ્છતા જાળવવા અને જેમણે હજુ સુધી ફૂડ લાયસન્સ મેળવ્યું નથી તેઓએ તાત્કાલિક લાયસન્સ મેળવી લેવાની કડક સૂચના આપવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW