HomeGujaratમોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ

મોરબી શહેરના સમર્પણ હોસ્પિટલ પાસે, હોસ્પિટલ સામા કાંઠે અને માળિયા ફાટક નજીક આવેલી હોસ્પિટલમાં આગ લાગ્યાની અને બે વ્યક્તિ ફસાઈ ગયાની માહિતી મળતા મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્પિટલના સંચાલક દ્વારા કરાયેલા કોલના આધારે ફાયર ટીમે ઝડપી કાર્યવાહી કરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો તેમજ હોસ્પિટલના બીજા માળે ફસાયેલા બે વ્યક્તિઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંતે, આ સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ અને હાજર લોકોમાં રાહતનો અનુભવ થયો હતો.

આ મોકડ્રીલનો મુખ્ય હેતુ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા પર આગ અથવા અન્ય કોઈ આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે ઘાયલ અથવા ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે અંગે પ્રાયોગિક તાલીમ આપવાનો હતો. આ અભ્યાસ દરમિયાન ફાયર બ્રિગેડની સજ્જતા, ઝડપી પ્રતિભાવ અને આધુનિક સાધનો સાથેની કાર્યક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું, જે તેમની તૈયારી અને ક્ષમતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. આવી મોકડ્રીલ શહેરીજનોમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં અને ઈમરજન્સી સમયે યોગ્ય પ્રતિભાવ આપવાની સમજ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા અત્યાર સુધીમાં પાંચ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 80 કામદારોને ફાયર પ્રિવેન્શન અંગેની તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્સ તથા ઇન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ ઇમારતોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટિસ આપી જરૂરી માર્ગદર્શન અને સલામતી સંબંધિત સૂચનાઓ પણ આપવામાં આવી છે. અગાઉ અપાયેલ નોટિસના અનુસંધાને 172 કોમ્પ્લેક્સ અને 34 સમાજવાડીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અથવા તેની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

આ દરમિયાન ફાયર સેફ્ટી અપ્રુવલ માટે કુલ ચાર અરજીઓ મળી હતી, જેને આર.એફ.ઓ. કચેરીમાં મોકલવામાં આવી છે. ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવો, અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવો અને કોઈ પણ ઇમરજન્સી સમયે તાત્કાલિક અગ્નિશમન શાખાનો સંપર્ક કરીને નાની કે મોટી દુર્ઘટના તેમજ જાન-માલની નુકશાની અટકાવવાનો છે.

મોરબી શહેરમાં તાજેતરમાં બે રેસ્ક્યુ કોલ તેમજ એક આગ લાગ્યાનો બનાવ નોંધાયો હતો, જેમાં ફાયર વિભાગના જવાનો સંપૂર્ણ સુરક્ષા સાધનો (PPE) સાથે ફાયર ફાઈટીંગ કામગીરીમાં જોડાયા હતા. કોઈ પણ આપત્તિ અથવા દુર્ઘટના સમયે નાગરિકો મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ફોન નંબર (02822) 230050 તેમજ 101 અને 112 પર તાત્કાલિક સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW