મોરબીના સામાકાંઠે આવેલા મયુર બ્રિજ નીચે મચ્છુ નદીના પટમાં ઝૂંપડામાં રહી વેપાર કરતા મનોજભાઈ કાસુભાઈ ચારડમીયા દ્વારા મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપી અજય રમેશભાઈ હઠીલા સાથે મનોજભાઈની બહેનનો પ્રેમસંબંધ હતો અને લગ્ન બાબતે ચર્ચા થતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન અજય હઠીલાએ પડોશમાં રહેતા અજય ભનુભાઈ, બંટી ડામોર અને દીપુ અરજણભાઈને બોલાવી મનોજભાઈ તથા તેના સાથીઓ પર છૂટા પથ્થરો અને ત્યાં પડેલા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ મળીને મનોજભાઈના પિતા કાસુભાઈને ઢસડીને બાવળની કાંટાળી જગ્યામાં લઈ જઈ કોઈ તીક્ષ્ણ હથિયારથી ડાબા પગના સાથળમાં ઘા મારી મોત નિપજાવ્યું હોવાનું જણાવાયું છે.
બીજી તરફ, સામાપક્ષે અજયભાઈ રમેશભાઈ હઠીલા, જે મયુર બ્રિજ નીચે નદીના પટમાં રહી મજૂરી કામ કરે છે, તેણે પણ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ મનોજભાઈ કાસુભાઈ તથા તેમના પરિવારજનો સાથે તાપણું કરી બેઠા હતા, ત્યારે પ્રેમસંબંધ બાબતે વાતચીત થતાં વાત વણસી હતી. આ દરમિયાન આરોપીઓએ અજયભાઈ પર ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઝઘડો વધતા આસપાસના લોકો વચ્ચે પડતાં બંને પક્ષોને અલગ પાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ અજયભાઈ અને તેના સાથીઓને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનું જણાવાયું છે. આ સમગ્ર બનાવને લઈને બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

