મોરબી-માળિયા નેશનલ હાઇવે 27 પર વીર વિદરકા ગામ નજીક સ્થાનિક લોકોએ દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી હતી. નેશનલ હાઈવે પર વાહનો આડા મૂકીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. જનતા રેડ દરમિયાન ગાડીમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ઘટનાની મળતી માહિતી મુજબ લોકોને દારૂ ભરેલું વાહન પસાર થવાની બાતમી મળી હતી. જેના આધારે લોકોએ સ્કોર્પિયો ગાડીને રોકાવી તપાસ કરતા તેમાંથી આશરે 400 થી 500 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ સ્કોર્પિયો ગાડી સાથે એક શખ્સને દબોચી લીધો હતો, જ્યારે ગાડીમાં બેઠેલા અન્ય કેટલાક શખ્સો નાસી છૂટ્યા હોવાનું જનતા રેડ કરનારા લોકોએ જણાવ્યું હતું. ઘટના અંગે તાત્કાલિક માળિયા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

