દહેગામ, રવિવાર
ભાજપમાં ઈશ્ક મિજાજ ધરાવતા નેતાઓ, મંત્રીઓની કોઈ કમી નથી, તેમના કારનામા જે બહાર આવે છે એ તો કંઈ જ નથી પણ જે બહાર નથી આવતા એ કરતૂતોની સંખ્યા અનેક ગણી છે. રંગીલા મંત્રીઓથી લઈ ધારાસભ્યો અને હવે તો જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ગાંધીનગર જિલ્લા પંચાયતના રંગીલા કારોબારી ચેરમેનની સામે માણસા પોલીસ સ્ટેશનમાં મહિલાએ દાદ માગતી અરજી કરી હતી અને આરોપી એવા આ મહાશય ચેરમેનને પાંચ હજારના જામીન લેવાની ફરજ પડી હતી. આ મહાશય રંગીલા સ્વભાવના છે અને અગાઉ એક મહિલા અધિકારીને અડધી રાત્રે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તું એકલી છે. આ મામલો ખૂબ ગરમાયો હતો અને બાદમાં વિપક્ષે પણ રાજીનામાની માંગણી કરી હતી. જાે કે, વિપક્ષના ગુસ્સાને ઠંડો પાડવા માટે જે તે સમયે રાજીનામું લેવામાં આવશે તેમ કહીને મામલો પતાવી દીધો હતો. જાે કે, એ વાતને ખાસ્સો એવો સમય થઈ ગયો હોવા છતાં પણ ઈશ્ક મિજાજી ચેરમેન સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાજપનું મોવડીમંડળ છતી આંખે આંધરૂં બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.
ગાંધીનગર શહેર અને તાલુકામાં કેટલાય ઈશ્ક મિજાજી નેતાઓ પોતાની મનગમતી વ્યક્તિ સાથે પ્રેમાલાપ કરતા હોય છે અને એ પ્રેમાલાપ ક્યારેક અખબારની હેડલાઈન પણ બનતો હોય છે. જાે કે, પ્રેમાલાપ થાય એ સારી વાત છે પણ જ્યારે એક તરફી પ્રેમ થાય અને મહિલા તાબે ન થાય ત્યારે તેણે અડધી રાત્રે ફોન કરવામાં આવે ત્યારે એ મહાશય ઉપર પ્રેમનું કેટલું ભૂત સવાર થયું હશે તેની કલ્પના કરી શકાય તેમ છે. થોડા સમય પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિનેશજી ઠાકોરે અડધી રાત્રે એક મહિલા અધિકારીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તું એકલી છે. મહિલા અધિકારી આ સાંભળીને અવાક રહી ગઈ હતી. બાદમાં આ મામલો ઉગ્ર બન્યો હતો અને તેના પડઘા કમલમ સુધી પણ પડ્યા હતા. કારોબારી ચેરમેનની આ હરકતના ઘેરા પડઘા પડ્યા હતા અને જે તે સમયે વિપક્ષ આક્રમક વિરોધ કર્યો હતો અને રાજીનામાની માંગણી કરી હતી.
ચબરાક ભાજપના નેતાઓએ આ સમયે વિપક્ષને રાજીનામાની લોલીપોપ આપી દીધી હતી અને પછી ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. રાત ગઈ અને બાત ગઈ તેમ હવે કેવું રાજીનામું અને કઈ રાજીનામાની વાત કહીને ભાજપે કુલડીમાં ગોળ ભાગી નાખ્યો હતો. હવે આ મહાશય સામે માણસા પોલીસ સ્ટેશનમાં પણ એક મહિલાએ દાદ માગતી અરજી કરી હતી અને અંતે ચેરમેનને પાંચ હજારના જામીન લેવા પડ્યા હતા. દહેગામ શહેરથી લઈ જિલ્લાભરમાં આ મહાશયનો ઈશ્ક મિજાજી સ્વભાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મહિલા કાર્યકરો પણ આ ચેરમેનથી અંતર રાખી રહી છે. પંચાયત ધારામાં સ્પષ્ટ જાેગવાઈ હોવા છતાં પણ ભાજપનું મોવડીમંડળ કારોબારી ચેરમેન સામે પગલાં ભરી શક્તું નથી. રાજીનામું લેવામાં આવશે તેમ કહીને ભાજપનું મોવડીમંડળ હવે આ ચેરમેનને જાણે કે શિરપાવ આપતું હોય તેમ છાવરી રહ્યું છે. ભાજપનું મોવડીમંડળ કેમ આ મહાશય ચેરમેનને સરેન્ડર થઈ ચૂક્યું છે તે કાર્યકરોને સમજાતું નથી. એક તરફ નારી સમ્માનની મીઠી મીઠી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ ભાજપ આવા ઈશ્ક મિજાજ ધરાવતા પોતાના જ નેતાઓને છાવરી રહી છે જે બેવડા ધોરણોને ઉજાગર કરે છે. ભાજપના નેતાઓ કયા મોંઢે નારી ઉત્થાનની વાતો કરી રહ્યા છે તે કાર્યકરોને પણ સમજાતું નથી. પોતાના ઈશ્ક મિજાજી સ્વભાવથી વારંવાર ભાજપની આબરૂની ફજેતી કરનારા કારોબારી ચેરમેન પગલાં ભરવામાં મોવડીમંડળ પીછેહઠ કરી રહ્યું છે તે મુદ્દો જિલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ભાજપના નેતાઓના મોંઢા સિવાય ગયા
કારોબારી ચેરમેનની વારંવારની આવી હરકતોથી ભાજપની આબરૂને બટ્ટો લાગી રહ્યો છે પણ ભાજપના નેતાઓના મોંઢા સિવાય ચૂક્યા છે. કોઈ નેતા હરફ સુદ્વા બોલવાની સ્થિતિમાં નથી. આવું કૃત્ય જાે વિપક્ષના કોઈ નેતાએ કર્યું હોત તો ભાજપ ગાંધીનગર જિલ્લામાં જ નહી પણ સમગ્ર રાજ્યમાં હોહા મચાવતો અને રેલીઓ કાઢતો હોત. હવે જ્યારે ભાજપના પગ નીચે રેલો આવ્યો છે ત્યારે કમલમમાં બડી બડી વાતો કરનારા નેતાઓ પણ ચૂપ થઈ ચૂક્યા છે. મહિલા ઉત્થાનની વાતો માત્ર ભાષણો પૂરતી સીમિત રહી ગઈ હોય તેવું મહિલાઓને પણ લાગી રહ્યું છે.
ભાજપના બેવડા ધોરણો ખૂલ્લા પડ્યા
રાજ્યના મંત્રીઓથી લઈ નેતાઓ ભાષણોમાં નારી સમ્માનની બડી બડી વાતો કરે છે અને નારી સામે કોઈ પણ અત્યાચારને સાંખી લેવામાં આવશે નહી તેવું મીઠું મીઠું બોલે છે. મહિલાઓ સામેના અપરાધને કોઈ પણ કાળે સાંખી લેવામાં આવશે નહી તેવો પડકાર પણ ફેંકવામાં આવે છે પણ જ્યારે પોતાના જ કારોબારી ચેરમેને શરમથી માથું ઝૂકી જાય તેવું કૃત્ય કરે છે ત્યારે ભાજપના બોલકા નેતાઓ મૂગા મંતર થઈ જાય છે. એક તરફ નારી સન્માનની વાતો અને બીજી તરફ ભાજપના જ કારોબારી ચેરમેન મહિલાઓ પાસે અભદ્ર માગણી કરી રહ્યા છે છતાં પણ તેમણે છાવરમાં આવી રહ્યા છે અને એ રીતે ભાજપના બેવડા ધોરણો ખુલ્લા પડી રહ્યા છે.

