હળવદના સરા રોડ પર આવેલી ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાને શેરબજારમાં રોકાણ કરીને ઊંચા વળતરની લોભામણી સ્કીમો સમજાવવામાં આવી હતી. આ સ્કીમોમાં વિશ્વાસ રાખીને ડોક્ટરે જુદા જુદા બેંક ખાતાઓમાં સમયાંતરે કુલ રૂ. 43.55 લાખનું રોકાણ કર્યું હતું.
જ્યારે ડોક્ટરે પોતાની રોકાણ કરેલી રકમ પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને સર્વિસ ટેક્સના નામે વધુ રૂ. 4,59,000 અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. આમ, ડોક્ટર પાસેથી કુલ રૂ. 48.14 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. ડો. ચેતનકુમાર જાકાસણીયાએ આ મામલે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા સાત મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે તેમને ફેસબુક મેસેન્જર પર ‘Irina Fedorova’ નામની આઈડી પરથી સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાની માહિતી મળી હતી. આરોપીઓએ કાવતરું રચીને ‘Y96 SIG Customer Service’ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને તેમાં ફરિયાદીને ઉમેર્યા હતા. આરોપીઓ પૈકીના દીપક મલ્હોત્રાએ ડોક્ટરને જુદી જુદી લોભામણી સ્કીમો સમજાવી હતી, જ્યારે રોહિતસિંઘ નામના ગ્રુપ એડમિને રોકાણ માટે અલગ-અલગ બેંક ખાતા નંબર મોકલી આપ્યા હતા. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. વસાવા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં રાહુલ હર્ષદભાઈ ચૌધરી, ખુશ નવીનભાઈ ભાલોડીયા, જયદીપ રામભાઈ લગારીયા અને શ્યામ કિશોરભાઈ રૂપાપરા નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી.

