એક સપ્તાહમાં સર્વે પૂર્ણ કરી નોડલ ઓફિસર ને રિપોર્ટ કરવા આદેશ
રાજ્યમાં ચાલુ સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત સહિત મોટાના ભાગના રાજ્યમાં ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લીધા હોય તેવી સ્થિતિ બની છે. કારણ કે, જે પાકને ચાર મહિના સુધી બાળકની જેમ ઉછેર્યો હતો. અને દિવાળી બાદ પાક લણી યાર્ડ સુધી પહોંચાડવાની તૈયારીમાં હતા, ત્યારે આ વરસાદે ધોઇ નાખતા સ્થિતિ દયનીય બની છે. મોરબી જિલ્લામાં પણ ક્યાંક વરસાદે તો ક્યાંક પવનને કારણે ખેડૂતોને પાકમાં નુકશાની વેઠવી પડી હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે રાજ્યભરમાંથી ફરિયાદ ઉઠતા અંતે સરકાર દ્વારા પાક નુકશાની વળતરની જાહેરાત કરી છે જેના માટે સર્વે કરવા દરેક જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવતા મોરબી જિલ્લામાં સર્વે માટે ગતિવિધિ શરૂ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લામાં પાક નુકશાનીના સર્વે માટે અલગ અલગ તાલુકા માટે કુલ 29 ટીમની રચના કરવામાં આવી છે. દરેક તાલુકામાં એક નોડલ ઓફિસર તેમજ સહ નોડલ ઓફિસર ના માર્ગદર્શનમાં આ ટીમ દ્વારા સર્વે કરશે તેઓ સર્વે નો રિપોર્ટ નોડલ ઓફિસરને સોંપશે તેમજ સર્વે દરમિયાન જે પણ મુશ્કેલી કે ટેકનિકલ માહિતી નોડલ ઓફિસર સહયોગ કરવાં જણાવ્યું છે. તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી ડે ટુ ડે નો રિપોર્ટ મોકલવાનો રહેશે અને તેમજ આ સર્વે એક સપ્તાહમાં પૂર્ણ કરવા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એ આદેશ કર્યો છે.
બે ગ્રામ સેવકની ટીમ બનશે, પંચાયત સદસ્ય સરપંચ કે તલાટી મદદમાં રહેશે
મોરબી જિલ્લામાં સર્વે માટે કુલ 29 ટીમ બનાવાઈ છે. જેમાં માળીયા મીયાણા તાલુકામાં 5 ટીમ સર્વે કરશે તો મોરબી તાલુકામાં 6, ટંકારા તાલુકામાં 5 ટીમ, હળવદ તાલુકામાં 6 જ્યારે વાંકાનેર તાલુકામાં 7 ટીમ સર્વે કામગીરીમાં જોડાશે. એક ટીમમાં બે ગ્રામ સેવક રહેશે આ ઉપરાંત ગ્રામ પંચાયત વિસ્તાર તલાટી કમ મંત્રી, સરપંચ તેમજ ચૂંટાયેલા સદસ્યને પણ મદદમાં રહેવા જણાવ્યું છે.

