વરસાદી સિઝન બાદ ઠંડીની સીઝન આવે તે દરમિયાન તેમજ શિયાળાની હાડ થીજવતી ઠંડી વચ્ચે રાત્રીના સમયે રખડતા શ્વાન કરડવાની ઘટનામાં વધારો થતો હોય છે. મોરબી જિલ્લામાં શિયાળા પહેલા જ રખડતા શ્વાન તેમાં પણ હડકવા થનારા શ્વાન કરડવાની ઘટનામાં વધારો થયો છે. દેશની રાજધાનીમાં શ્વાન પકડવા સુપ્રિમ કોર્ટ દ્વારા જરૂરી ગાઈડલાઈન ફોલો કરીને રખડતા શ્વાન પકડવાં આદેશ કર્યા હતા. જોકે આ ગાઈડલાઈનનું દેશભર માં પાલન કરીને રખડતા શ્વાન પકડવાની કામગીરી કરવી જરૂરી છે, છતાં હજુ સુધી રાજયની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ખાસકરીને નગરપાલિકા કે મહાનગર પાલિકા સક્રિયતા દાખવી રહી નથી. મોરબી જિલ્લાની વાત કરીએ તો એક કોર્પોરેશન, અને 4 નગરપાલિકા વિસ્તાર આવેલી છે અને તાલુકા પંચાયત દ્વારા પણ મોટી ગ્રામ પંચાયતોમાં રખડતા શ્વાન પકડવા બાબતે કોઈ પણ પ્રકારની સક્રિયતા દાખવી ન હોવાથી જિલ્લામાં રખડતા શ્વાન કરડવાની ઘટના સતત વધી છે. મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો સપ્ટેમ્બર માસ અને ઓકટોબરના 13 દિવસ દરમયાન કુલ 761 લોકોને રખડતા શ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે.
તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ 455 જેટલા કેસ તો મોરબી શહેર અને તાલુકામાં નોધાયા હતા. આ ઉપરાંત 169 કેસ વાંકાનેર તાલુકામાં નોધાયા હતા. જયારે હળવદમાં 71 કેસ, ટંકારામાં 35, માળિયામાં 31 કેસ નોંધાયા હતા. મોરબી જિલ્લામાં મહાનગરપાલિકા દ્વારા અગાઉ રખડતા શ્વાન પકડવા માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરી હતી, જોકે એક પણ એજન્સી ન આવતા કામગીરી આગળ વધી શકી નથી બીજી તરફ એક પણ નગરપાલિકા દ્વારા આજદિન સુધી રખડતા શ્વાન ને પકડવા કોઈ પણ પ્રકારના પગલા લીધા નથી આવી સ્થિતિને કારણે મોરબી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. શિયાળા દરમિયાન આ સ્થિતિમાં વધારો થવાની શક્યતા છે,
શ્વાન સામાન્ય રીતે માણસ સાથે રહેતું હોવાથી તેના કરડવાનું કારણ ઘણા બધા હોય છે, જેમ કે તેના બ્રીડીંગ સમય હોય આવી સ્થિતિમાં પથ્થર મારી છંછેડવામાં આવ્યા હોય અથવા શ્વાન વચ્ચેની લડાઈ બાદ ઈજાગ્રસ્ત થયેલા શ્વાન પોતાની પીડા સહન ન થવાના કારણે બચકા ભરી શકે છે. આ ઉપરાંત ઘણીવાર રસ્તા પર સુતેલા હોય ત્યારે વાહન ચાલકો દ્વારા બિન જરૂરી હેરાન કર્યું હોય પણ જે તે સમયે તે વ્યક્તિ દુર નીકળી ગયું હોય પણ શ્વાન ડરના કારણે બીજા લોકો પર એટેક કરી શકે છે તો માદા શ્વાન તેના સંતાનની સુરક્ષાને કારણે ત્યાંથી પસાર થતા લોકો પર એટેક કરી શકે છે હડકવા થવા અને તેના કારણે કરડવાનું પ્રમાણ ખુબ ઓછું હોય છે, આવી તમામ સ્થિતિમાં શ્વાનથી બચવા સૌથી મોટો ઉપાય શ્વાનને બિન જરૂરી કનડગત ન કરવી તે છે શ્વાનને છંછેડવવાથી તે પ્રતિકાર કરે છે ઘણીવાર અન્ય કોઈ વ્યક્તિએ હેરાન કર્યા હોય તો તેનો ભોગ બીજા બની શકે છે. આ શ્વાન કરડયા બાદ કોઈ પણ પ્રકારની ગફલતમાં રહ્યા વિના વેક્સીન લેવી જરૂરી છે હડકવાથી બચવાનો સૌથી કારગત ઉપાય વેકશીન છે એકવાર હડકવા થયા બાદ તેની સારવાર શક્ય નથી તેમ પશુ ચિકિત્સક તેમજ મદદનીશ નિયામક પશુપાલન વિભાગના ડો. એન જે ફળદુ એ જણાવ્યું હતું.
મહાનગર પાલિકા દ્વારા અગાઉ રખડતા શ્વાન પકડવા ટેન્ડર પ્રક્રિયા કરી હતી, જોકે કોઈ કારણસર એજન્સી ન આવતા કામ શરૂ થઇ શક્યું ન હતું તો જોકે હવે અમારું આયોજન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્વાન પકડ્યા બાદ તેનું ઓપરેશન કર્યા બાદ તેને સેલટર હોમમાં સાત દિવસ રાખવાના રહે છે. જેથી હાલ અમે શેલ્ટર હોમ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. શહેરના નંદી ઘર નજીક શેલ્ટર હોમ તૈયાર થયા બાદ ફરી ટેન્ડર કરી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મનપા કમિશ્નર સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું.
સામાન્ય રીતે શ્વાન કરડે ત્યારે 5 વેક્સીનનો ડોઝ હોય છે જે અલગ અલગ સમયે હોય છે. મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિના માં 1333 ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી 435 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો ઓક્ટોબરમાં 13 દિવસમાં 740 ડોઝ લેવાયા છે જે પૈકી 255 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.

