સુરતના મહીધરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલનો નિશાન બનાવી ચોરી કરતાં ભક્તોમાં રોષ ફેલાયો છે. મહીધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ-અલગ ગણેશ પંડાલમાં ગઈ રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ પણ થયા હતા. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણી નામના બે તસ્કરોની ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
મહીધરપુર વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ આઠ ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો છે. તસ્કરો અલગ અલગ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા-અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા છે. એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. લોકોએ સવારના સમયે ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની સ્થાપના કરી હતી.
જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા હતા. ત્યાર બાદ બે લોકોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. માત્ર 50 મીટર નજીક આવેલી ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે. ગણેશજીની ચાંદી અને પિત્તળની મૂર્તિની ચોરી થઈ છે.
ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને એનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. તેમણે જણાવ્યું હતું કે, “અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે. આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી.” તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. પોલીસે આયોજકો, સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકો બાદ સ્થાનિક લોકોએ ગણેશ પંડાલોમાં આરતી પણ કરી હતી, જે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંકેત આપે છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
મહિધરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં થયેલી ચોરીના કિસ્સામાં પોલીસે બે આરોપીઓ, આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીની ધરપકડ કરી છે. પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કર્યો છે.

