આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત થઈ છે, તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે.
વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીઆ ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઇ હતી. ભુપત ભાયાણી 2024માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે અને 2022માં AAP ઉમેદવાર સામે હરનાર કિરીટ પટેલની ફરી એ જ સ્થિતિ થઇ છે. જો કે કિરીટ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રિબડીયા સામે ચૂંટણી હારી ગયા હતા. આમ, એક જ બેઠક પર ભાજપ નેતા કિરીટ પટેલ ત્રણ ચૂંટણીમાંથી એક વાર કોંગ્રેસ સામે અને બે વાર AAP સામે હારી ગયા છે. 2024માં કોંગ્રેસ પાસેથી આંચકેલી વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે.
ગોપાલ ઈટાલિયાએ પહેલી નોકરી પોલીસ-કોન્સ્ટેબલ તરીકે કરી હતી. અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યા પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા. ત્યાંથી ઈટાલિયાની બદલી ધંધૂકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ. આ તેમની છેલ્લી નોકરી હતી. એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઈટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા અને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલનો ઘા કર્યો હતો, ચંપલ વાગ્યું નહીં, પણ ઈટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ હતી. આ જ વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી હતી. આ ઓડિયો આખા ગુજરાતમાં વાઇરલ થયો અને ગોપાલ ઈટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું, જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પ્રદેશ પ્રમુખ બન્યાં. 2024ની વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને હારી ગયા હતા.
કડી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત, રાજેન્દ્ર ચાવડાની જંગી જીત, કડી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચાર વાર આ બેઠકના ધારાસભ્ય રહી ચુક્યા છે. ઉપરાંત 2017 અને 2022 એમ છેલ્લી બે ટર્મથી ભાજપના કરશનભાઈ પટેલ અહીં ધારાસભ્ય હતા. જો કે બીમારીને કારણે તેમનું અવસાન થતા કડી વિધાનસભા બેઠક ખાલી પડી અને પેટા ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી હતી જેની સામે ભાજપના રાજેન્દ્ર ચાવડાનો જંગી બહુમતી સાથે વિજય થયો છે.

