વલસાડ જિલ્લામાં હથિયાર પરવાના ધારકોની ચકાસણી દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 1.5 વર્ષ પહેલાં 650થી વધુ હથિયાર પરવાના નોંધાયેલા હતા.
વલસાડના એસપી કરનરાજ વાઘેલાના નેતૃત્વમાં કરવામાં આવેલી તપાસમાં અનેક ખામીઓ સામે આવી. ઘણા પરવાનેદારોએ વર્ષોથી પરવાનાનું રિન્યુઅલ કરાવ્યું નહોતું. કેટલાક વૃદ્ધ પરવાનેદારોને હથિયારની જરૂર ન હોવા છતાં પરવાના ધરાવતા હતા. પોલીસે 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓના હથિયાર પરવાના રદ્દ કર્યા છે. 14 વ્યક્તિઓ પાસે એકથી વધુ હથિયાર પરવાના હતા, તેમના વધારાના પરવાના પણ રદ્દ કરવામાં આવ્યા છે. કુલ મળીને 164 હથિયાર પરવાના રદ્દ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં 489 હથિયાર પરવાના ધારકો છે.
તાજેતરમાં યુવાનો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા હથિયારો અને રમકડાના હથિયારો સાથે રીલ્સ બનાવતા હોવાનું ધ્યાને આવ્યું છે. રાજ્ય સરકારે આવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. એસપી વાઘેલાએ યુવાનોને હથિયારોનો દુરુપયોગ ન કરવા અને સોશિયલ મીડિયા પર હથિયાર સાથેની રીલ્સ ન બનાવવા અપીલ કરી છે.

