પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેનાએ બુધવારે આંતરરાષ્ટ્રીય સરહદ પરની ઘણી ચોકીઓ ખાલી કરી દીધી. પાકિસ્તાની સેનાએ આ ચોકીઓ પરથી ધ્વજ પણ હટાવી દીધા છે. કઠુઆના પ્રગ્યાલ વિસ્તારમાં આ જગ્યાઓ ખાલી કરવામાં આવી છે. પાકિસ્તાની સેના એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે. બુધવારે, પહેલીવાર પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જેનો ભારતીય સેનાએ તાત્કાલિક જવાબ આપ્યો.
આ દરમિયાન સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશીને તેના ચેરમેન બનાવાયા છે. મંગળવારે અગાઉ પીએમ મોદીએ ત્રણેય સેના-પ્રમુખો, NSA અજિત ડોભાલ, CDS અનિલ ચૌહાણ સાથે દોઢ કલાક સુધી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીએ સશસ્ત્ર દળોને છૂટ આપી દીધી અને કહ્યું કે સેનાએ આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવાં જોઈએ. બીજી તરફ, પ્રધાનમંત્રી નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ સીસીએસની બીજી બેઠક છે, પહેલી બેઠક પહેલગામ હુમલાના બીજા દિવસે 23 એપ્રિલે યોજાઈ હતી. સીસીએસની બેઠક પછી તરત જ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક મળશે. આ પછી આર્થિક બાબતોની સમિતિ અને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક થશે.

પહેલગામ હુમલા પછી નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ છે. પાકિસ્તાની સેનાએ બુધવારે છઠ્ઠી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. બારામુલ્લા અને કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર થયો, જેનો ભારતે જવાબ આપ્યો. પંજાબ સરકારે બુધવારે કહ્યું કે, પાકિસ્તાન સાથેની સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. પહેલગામ હુમલા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે આ સિસ્ટમ ડ્રગ્સ અને હથિયારોના પુરવઠાને રોકવામાં મદદ કરશે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની ઘૂસણખોરી પર નજર રાખી શકશે અને તેને નિષ્ફળ બનાવી શકશે.

