મોરબીની કોર્ટે સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં ચુકાદો આપતા આરોપીને કડક સજા ફટકારી છે. વર્ષ 2018માં વાંકાનેર તાલુકાના એક ગામની સગીરાનું અપહરણ કરવાના કેસમાં આરોપી પરેશ માનસિંગભાઈ મેર (ઉં.21)ને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું. તેણે સગીરાને સુરતના કામરેજ તાલુકાના મોરથાણા ગામે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના પિતાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
મોરબીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારીઆએ રજૂ કરેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ઉપરાંત રૂ.25,000નો દંડ ફટકાર્યો છે. વધુમાં, કોર્ટે પીડિત સગીરાને વળતર પેટે રૂ.4.25 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

