બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીક પાંચ દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી રૂપિયા 1.26 કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો અને ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કારસ્તાનમાં સામેલ મુખ્ય આરોપીના સાગરીતોની ધરપકડ કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત 27 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામ પાસેથી એક સળગેલી હાલતમાં કાર મળી હતી. જેમાં ચાલકની સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયેલી ડેડબોડી મળી હતી. આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં આ કારમાં વડગામના ઢેલાણા ગામે રહેતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર બળીને ખાખ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બાદમાં પોલીસને આ ઘટનામાં અનેક શંકાઓ ઊભી થઇ હતી.
પોલીસને શંકાઓ જતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં દલપતસિંહ જીવિત હોવાની જાણ થઇ હતી. દલપતસિંહ જીવિત હોવાનું સામે આવતા કારમાં સળગી જનાર વ્યક્તિ કોણ હતી તેની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે દલપતસિંહના મોબાઇલના સીડીઆર ચેક કરતાં દલપતસિંહની સાથે છેલ્લી વાત મહેશ નરસંગજી ઠાકોર નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે મહેશ ઠાકોર, ઘોડિયાળના ભેમા ભીખાજી રાજપૂત, દાંતાના ખેરમાળના દેવા લલ્લુભાઈ ગમાર અને સુરેશ બાબુભાઈ બુબડિયાને પોલીસ મથકે લાવીને પૂછપરછ શરૂ કરી હતી.
દલપતસિંહના મિત્રોની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, દલપતસિંહે કેદારનાથ હોટલ બનાવી હતી .જેના ઉપર રૂપિયા 15 લાખની લોન અને કાર ઉપર 1.80 લાખની લોન મળી કુલ 16.80 લાખનું દેવું હતું. આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો રૂપિયા 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો LICનો વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું.
આ બાદ આ આરોપીઓએ ઢેલાણા ગામે ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાં જમીનમાંથી ખોદીને બહાર કઢાવ્યો હતો. જે મૃતદેહ પોતાની કાર (નંબર GJ-01-HJ-9718)માં મૂકી ધનપુરા નજીક જ્વલનશીલ પ્રવાહી છાંટી કાર સાથે મૃતદેહને સળગાવી દીધો હતો અને કારમાં પોતે મરી ગયો હોવાનું જાહેર કરવાના ઇરાદે આ દલપતસિંહ ફરાર થઈ ગયો હતો. દલપતસિંહના મિત્રોએ કબૂલાત આપતાં એની ચોક્કસાઇ કરવા પોલીસે તપાસ કરતા ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના રમેશભાઈ તળશીભાઇ સોલંકીનો મૃતદેહ જ્યાં દાટ્યો હતો. ત્યાં ખોદકામ કરતા અંદરથી મૃતદેહ નીકળ્યો ન હતો.
આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, કાવતરાને અંજામ આપ્યા પછી દલપતસિંહનો તેના મિત્ર મહેશજી ઠાકોરે છેલ્લો સંપર્ક કર્યો હતો. જે પછી પોલીસની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આ સાગરીતો દલપતસિંહને બાઈક ઉપર મૂકવા જતા હોવાનું જણાઈ આવ્યું હતું. આથી કારમાં સળગી ગયેલી વ્યક્તિ કોઈ બીજી જ હોવાનું જણાતા આ દિશામાં તપાસ કરવામાં આવી હતી. હાલ મુખ્ય આરોપી દલપતસિંહ ફરાર છે, જ્યારે તેના સાગરીતોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

