વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતી મહિલાના દીકરાને થોડા દિવસો પહેલા તેના જ વિસ્તારમાં રહેતા અને ભાજપના મહિલા મોરચાના ઉપ પ્રમુખના દીકરા સાથે પતંગના દોરા લેવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયેલ હતો, તેનો ખાર રાખીને મહિલા મોરચાના ઉપ પ્રમુખ તેની દીકરી એ મહિલાની આંખમાં મરચાની ભૂકી છાટવામાં આવી હતી. ત્યાર બાદ બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો હતો, જેથી ઇજા પામેલી બે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાર બાદ આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવી છે.
વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા નામની 38 વર્ષીય મહિલાએ વાંકાનેર ભાજપના મહિલા મોરચાના ઉપ પ્રમુખ જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને જોશનાબેનના મોટી દીકરી સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેના દીકરાને જોશનાબેનના દીકરા લાલા સાથે અગાઉ પતંગ અને દોરા લેવા જેવી સામાન્ય બબાતે બોલાચાલી થઇ હતી . જે બાબતનો ખાર રાખીને જોશનાબેનના મોટાબહેને રાજેશ્વરીબેનના મોઢા ઉપર મરચાની ભૂકી છાંટી હતી. બાદ જોશનાબેને લાકડાના ધોકા વડે રાજેશ્વરીબેન તથા તેની દીકરી રસીલાબેનને માર માર્યો હતો. જેથી ફરિયાદીને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી તથા રસીલાબેનને શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી. જેથી ઈજા પામેલ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. ત્યાર બાદ આ બનાવની રાજેશ્વરીબેને ફરિયાદ નોંધાવતાં પોલીસે બે મહિલાની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

