અન્ય જિલ્લાઓમાં ગયા સપ્તાહથી શરૂ થઈ હતી ,ખેડૂતોને મીઠાઈ ખવડાવી શરૂઆત કરાઇ.
મોરબીમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજ રોજ માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવાએ આજે ખેડૂતોને મોઢા મીઠા કરાવીને મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. આજે પ્રથમ દિવસે ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા હતા. જેમાં ખરીદ કેન્દ્ર ખાતે નિયમ મુજબ ઉતારો તપાસીને ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારત સરકારના નિયમ મુજબ પ્રતિ મણના 1356 રૂપિયા લેખે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. હાલ ઓનલાઈન 700થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવેલી છે. મોરબી જિલ્લામાં કૂલ 8 હજાર જેટલી ઓનલાઈન અરજી થઈ છે. જેમાં સૌથી વધુ નોંધણી ટંકારા તાલુકામાં થઈ છે. માળિયા તાલુકામાં વાવેતર ઓછું હોય ઓછી અરજી થઈ છે. મોરબી જિલ્લામાં કૂલ 3 ખરીદ કેન્દ્રો ખોલાવામાં આવ્યા છે. જેમાં ટંકારા, હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખરીદ કેન્દ્ર ચાલું છે. આજે પ્રથમ દિવસે 20 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 9 ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. જે ખેડૂતો નથી પહોંચ્યા તેઓને શનિવારે ફરીથી બોલાવવામાં આવશે.

