ખેડા-નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા. ત્યારે અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલિયો ઘાટ ઊતરતા હનુમાન મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ રોડથી નીચે ઉતારી પલટી ખાઇ ગઇ હતી. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા.
મળતી માહિતી મુજબ, ગુજરાતના યાત્રાધામ એવા અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. ખેડા જિલ્લાના કઠલાલ ગામના માઇભક્તો દર્શન કરીને પરત જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવરે નશો કર્યો હતો અને બેદરકારીથી બસ હંકારતો હતો. તેમજ ડ્રાઈવર રીલ બનાવતો હતો. ડ્રાઈવરે 4 બમ્પ કુદાવી દીધા હતા. બાદમાં બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાં હતો જ નહીં, તે ફરાર થઈ ગયો હતો. બસમાં સવાર 35 લોકોને ઇજા પહોંચી છે અને 6 નાં ઘટના સ્થળે જ મોત થયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોચ્યું હતું. સ્થાનિકોએ 108 અને પ્રાઈવેટ વાહનોમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. જેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત 25 જેટલા લોકોને રીફર કરવામાં આવ્યા છે. બાકીના સ્ટેબલ પેશન્ટને અહીં સારવાર આપવામાં આવી છે.

