અડધી રાત્રે ગૃહ મંત્રી સુધી ફોન ગુંજ્યાં અંતે વહેલી સવારે વિર્સજન થયું,
મોરબીમાં ગણેશ મહોત્સવમાં મંગળવારે મૂર્તિ વિસર્જન કરાયું હતું. તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન વખતે કોઈ દુર્ઘટના ન બને તે માટે નદી તળાવ અને ડેમ વિસ્તારમાં મૂર્તિ વિસર્જન માટે પ્રતિ બંધ મુકાયો હતો. જો કે મોરબીમાં ભાજપ આગેવાન અરવિંદ બારૈયા દ્વારા આયોજિત કરાયેલ સિધ્ધી વિનાયક કા રાજાની 22 ફૂટની પ્રતિમાનું મચ્છુ 3 ડેમની જગ્યામાં જ વિર્સજન કરવાની જીદ કરી હતી. જેના કારણે મંગળવારે મોડી રાત્રે માહોલ ગરમાયો હતો. તંત્ર દ્વારા શોભેશ્વર ખાતે કરાયેલ વ્યવસ્થામાં જ મૂર્તિ વિસર્જન કરવાનું કહેતા આયોજકે ત્યાં જગ્યા નાની હોય અને મૂર્તિ મોટી હોવાનું કારણ આપી આ જગ્યાએ વિસર્જન કરશે તેવી જીદ પકડી હતી અને સમર્થકો દ્વારા રાત્રે રાજકોટ-કચ્છ હાઇવે જામ કરી દેવાયો હતો. તેમજ ગૃહ મંત્રી સુધી રાત્રે ફોન કરાયા હતા કલાકો સુધી ચાલેલી મથામણ બાદ અંતે વહેલી સવારે 6 વાગ્યે મચ્છુ 3 ડેમ ખાતે મૂર્તિ વિસર્જન કર્યું હતું.
તેમજ “મયુરનગરી કા રાજા”ના આયોજક વિશ્વાસભાઇ વલ્લભભાઇ ભોરણીયા દ્વારા ગણેશ મુર્તિ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્બારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ ગણેશ મુર્તિનુ વિસર્જન કરવાની હોય, તેમ છતાં મોરબી જુની આર.ટી.ઓ.કચેરી પાસે મચ્છુ નદિ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતે કુદરતી જળાશય કે જે જળ સિંચાઈ તથા પિવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવામાં આવતું હોય તેમ છતાં ત્યાં વિર્સજન કરવાની જીદ કરી હતી.
પીકનીક સેન્ટર ખાતે કુંડ મૂર્તિઓ કરતા નાના હોવાનો દાવો,
સિધ્ધી વિનાયક ગણેશ મહોત્સવના આયોજંક અરવિંદભાઈ બારૈયાએ દાવો કર્યો હતો કે, પીકનીક સેન્ટર ખાતે જે કૃત્રિમ કુંડ તૈયાર કર્યા હતા. તેની ઊંડાઈ કરતા મૂર્તિની ઉચાઇ 22 ફૂટ હોવાથી તેની પ્રતિમાની ઉચાઇ લીધે પીકનીક સેન્ટર પર વિસર્જન થઇ શકે તેમ ન હોવાથી મચ્છુ 3 ડેમ ખાતે વિસર્જન કરાવ્યું હતું.
જોકે બીજી તરફ મૂર્તિ વિસર્જન જવાબદારી સાંભળતા ફાયર ઓફિસર દેવેન્દ્રસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા અહી ચાર કુંડમાં મૂર્તિ વિસર્જન વ્યવસ્થા કરાઈ હતી. દિવસ દરમિયાન 500 જેટલી મૂર્તિઓ અલગ-અલગ ત્રણ કુંડમાં વિસર્જન કરાઈ હતી અને અગાઉ થી અમને આ મોટી પ્રતિમાં આવશે તેવી જાણકારી હોવાથી અમે એક કુંડ અલગથી રાખ્યો હતો અને તેમની પાસે જે પ્રતિમા હતી તે મુજબ પૂર્તિ જગ્યા કુંડમાં રાખવામાં આવી હતી.

