સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા પર પણ મેઘરાજા મન મૂકીને મહેરબાન થયા છે. માળિયા તાલુકાને બાદ કરતા મોરબી જિલ્લાના 4 તાલુકામાં વાવણી લાયક વરસાદ રૂપે કાચું સોનું વરસ્યું છે. વરસાદથી તૃપ્ત બની વાતાવરણ જાણે આળસ ખંખેરી ઉભું થયું છે અને અહલાદક બની ગયું છે. આ નયનરમ્ય અને મનોહર વાતાવરણમાં અને અષાઢી બીજના પર્વનો ઉમંગ ત્યારે મોરબી જિલ્લામાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે.
મોરબી જિલ્લામાં મેહુલિયે મહેર કરી છે. મોરબીમાં 256 mm, ટંકારામાં 320 mm, હળવદમાં 163 mm, વાંકાનેરમાં 119 mm અને માળિયામાં 34 mm વરસાદ વરસ્યો છે. માળિયા સિવાય સમગ્ર પંથકમાં વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ખરીફ વાવેતરમાં સરકારની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે અને સારા વરસાદના પગલે ધરતીપુત્રો વાવણીમાં ઉત્સાહભેર વ્યસ્ત બન્યા છે. મોરબી જિલ્લામાં ખેડવાલાયક જમીનના અંદાજિત 75 ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં 3 વર્ષની સરેરાશ ખેડવા લાયક કુલ 3.15 લાખ હેક્ટર વિસ્તારમાંથી અંદાજિત કુલ 2.33 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજિત 75 ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.
તુલનાત્મક અભ્યાસની દ્રષ્ટીએ જોઈએ તો ગયા વર્ષે આ દિવસોમાં અંદાજિત 90 ટકા જેટલું વાવેતર કરવામાં આવ્યું હતુ. જ્યારે હાલ આજ સુધીમાં 75 ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે. ગત વર્ષે આ દિવસો સુધીમાં અંદાજિત 55 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ અત્યાર સુધીમાં અંદાજિત 66 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ ચુક્યું છે.
વાવણી કરાયેલા પાકોની વિગતે વાત કરીએ તો, અંદાજે 223 હેક્ટરમાં તુવેર, 120 હેક્ટરમાં મગ, 324 હેક્ટરમાં અડદ, 65,950 હેક્ટરમાં મગફળી, 163 હેક્ટરમાં તલ, 520 હેક્ટરમાં સોયાબીન, 1,30,955 હેક્ટરમાં કપાસ (પિયત), 23,260 હેક્ટરમાં કપાસ (બિનપિયત), 1287 હેક્ટરમાં શાકભાજી, 10,340 હેક્ટરમાં ઘાસચારો તથા 70 હેક્ટરમાં શેરડી વગેરે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ વાવણી અન્વયે હળવદ તાલુકામાં 71,220 હેક્ટર એટલે કે 88 ટકા, મોરબી તાલુકામાં 62,580 હેક્ટર એટલે કે 80 ટકા, ટંકારા તાલુકામાં 40,190 હેક્ટર એટલે કે 96.5 ટકા, વાંકાનેર તાલુકામાં 50,719 હેક્ટર એટલે કે 90.7 ટકા અને માળિયા(મિ) તાલુકામાં 8503 હેક્ટર એટલે કે 17.6 ટકા મળી કુલ 2,33,212 હેક્ટર એમ 75 ટકા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. આવતા દિવસોમાં સારા વરસાદના પગલે બાકી વિસ્તારમાં પણ ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવનાર છે.

