મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરીમાં કૌભાંડની અંશાકા વ્યક્ત કરવામાં આવી હતી અને ખાસ તો માળીયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ મોટું કૌભાંડ થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આથી સરકાર દ્વારા આ કૌભાંડની તટસ્થ તપાસ માટે લોકપાલની નિમણૂક કરવામાં આવી છે. જેઓ મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદોની તપાસ કરાશે
મોરબી જિલ્લામાં સરકારના મનરેગા યોજના હેઠળ તળાવો ઊંડા કરવા સહિતની અનેકવિધ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ મનરેગ યોજના હેઠળ જવાબદારોએ મોટી કટકી એટલે કૌભાંડ કર્યાના આક્ષેપો થયા હતા. જેમા માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્ર વીડજાએ જણાવ્યું હતું કે, માળીયા (મી) તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની ૧૦૦% ની ગેરંટી છે. આ અંગેના પુરાવા સાથે તેઓએ જે તે અધિકારીઓનું ધ્યાન દોર્યું છે અને માળીયા તાલુકામાં મનરેગા કૌભાંડમાં ક્યાં ક્યાં મોટા માથાએ મલાઈ તારવી એની વિગતો સાથે રજુઆતો કરશે. દરમિયાન સરકાર દ્વારા મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી મનરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદો સાંભળીને યોગ્ય તપાસ કરશે અને સમગ્ર કૌભાંડની રજેરજની માહિતીઓ પુરાવા સાથે સરકારને અહેવાલ આપશે.

