રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે ભારત સરકારના આયુષ મંત્રાલય તેમજ રાજ્ય સરકારની આયુષની કચેરીની સુચનાથી મોરબી જિલ્લા આયુર્વેદ શાખા મોરબી જિલ્લા પંચાયત તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુર્વેદ ફોર વન હેલ્થ’ થીમ પર ‘આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે’ના સંદેશ સાથે આયુર્વેદ, યોગ અને હોમિયોપેથીના ત્રિવેણી સંગમ સમા આયુષ મેળાનું મોરબી જિલ્લા પંચાયતના પ્રાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું અને મિલેટ્સની વાનગીઓની પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આયુર્વેદ ડો. ખ્યાતિબેનનું વર્ષ દરમિયાન મિલેટ્સની વિવિધ વાનગીઓ બનાવી મિલેટ્સના પ્રસાર પ્રચારની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વિરેન ઢેઢી સહિત સમગ્ર આયુર્વેદ વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.
આ આયુષ મેળા અન્વયે તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્યા – ઋતુચર્યા – વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન, હરસ-મસા-ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણું હર્બલ ડ્રિંકનું વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી.
“આયુર્વેદ એ માનવીના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આજના આ ફાસ્ટ યુગમાં જો આપણે આરોગ્યપ્રદ ખોરાક અપનાવીશું તો આપણા બાળકો અને આવનારી પેઢી પણ એ ખોરાક અપનાવશે” એવું કહી તેમણે શ્રી ધાન્ય એટલે કે મિનિટ્સની અગત્યતાની વાત કરી હતી. ઉપરાંત તેમણે સૌને આળસ ખંખેરી જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “કોરોનાના સમય દરમિયાન આયુર્વેદ મહત્વનું સાબિત થયું હતું જેથી આપણે સૌએ સ્વસ્થ જીવન માટે આયુર્વેદ જરૂરથી અપનાવવું જોઈએ તેમ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.પ્રવીણભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે, “આયુર્વેદનું મહત્વ લોકો સુધી પહોંચે તેવા હેતુથી વર્ષ ૨૦૧૬થી આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ જ્યારે ૮માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ એમ ત્રિવેણી સંગમ સમા આયુષ મેળાની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે. તન મન અને આત્માની સ્વચ્છતા અને સ્વસ્થતા માટે આયુર્વેદ ખૂબ મહત્વનું છે. એવી ખોટી માન્યતા છે કે, આયુર્વેદ લાંબા ગાળે સારવાર કરે છે પરંતુ આયુર્વેદની અસર ત્વરિત થાય જ છે પરંતુ તમારી બીમારી કેવી છે તેના ઉપર દવાની અસર આધાર રાખે છે. કોઈપણ મુશ્કેલી હોય કે બીમારી હોય ખોટા અખતરા ન કરતા નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ”

