આજની મોંઘવારીના સમયમાં ગરીબ અને જરૂરિયાત મંદ દર્દી નારાયણની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. આ ધ્યેય સાથે સામાન્ય રોગોના ઈલાજ માટે મોંઘી હોસ્પિટલમાં સારવાર લેવી ન પોસાય તેવા દર્દી નારાયણને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવા યંગ ઇન્ડિયા ગ્રુપ વ્હારે આવ્યું છે અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરવા માટે આજે રવિવારથી અમૃતમ હોસ્પિટલ શરૂ કરવામા આવી છે. જેલ રોડ પરના રબારીવાસમાં શરૂ થયેલી અમૃતમ હોસ્પિટલમાં આસપાસ વિસ્તારોના તમામ લોકોને તબીબી સુવિધાનો વિનામૂલ્યે લાભ મળશે.
મોરબીમાં નાત જાતના ભેદભાવ મિટાવીને હમ સબ એક હૈની ભાવના સાર્થક કરવા સદાય દરેક વર્ગના લોકો માટે સામાજિક, શૈક્ષણિક, તેમજ દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરી સર્વધર્મ સમભાવને ચરિતાર્થ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ હવે દર્દી નારાયણની સેવા કરવા માટે આગળ આવ્યું છે અને દર્દીને સામાન્ય તાવ શરદી, ઉધરસ, ઝાડા ઉલ્ટી સહિતના રોગોની સારવાર માટે ખાનગી દવાખાના કે મોંઘી હોસ્પિટલમાં મસ મોટી ફી ચૂકવવી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે આરોગ્ય સેવા શરૂ કરવાનો દ્રઢ સંકલ્પ કરીને આ દિશામાં આગળ વધીને આજે રવિવારે તા.13ના રોજ સવારે 9-30 કલાકે જેલ રોડ ઉપર આવેલ રબારીવાસના ક્રિષ્ના પાન સામે અમૃતમ હોસ્પિટલ શરૂ કરાઇ છે જેનું આજથી ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી શહેર ભાજપા મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી શહેર ભાજપા મહામંત્રી રીશીપભાઈ કૈલા,વોલ ક્લોક આસોસીયેશનના અગ્રણી શશાંકભાઇ દંગી, મોરબી અપડેટ સુપ્રીમો દિલીપભાઈ બરાસરા, સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, પત્રકાર મેહુલભાઈ ગઢવી, નિવૃત પી.આઈ. જેમલભાઈ રબારી, વોર્ડ નંબર ૧૩ પૂર્વ કાઉન્સિલર ભાનુબેન નગવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. રબારી વાસ, વણકરવાસ, વાલ્મિકી વાસ, મતવાવાસ, જેલ રોડ, બોરીચા વાસ, લીલાપર રોડ પરના તમામ વિસ્તારો, મકરાણીવાસ, વજેપર, લખધીરવાસ સહિતના આસપાસના તમામ વિસ્તારોના લોકો નાત જાતના કોઈપણ ભેદભાવ વગર હમ હિન્દુસ્તાનીની ભાવનાથી વિનામૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં શ્રેષ્ઠ તબીબની સારી સારવાર અને દવા મળી રહી છે.
આરોગ્ય સેવા શરૂ કરવા અંગે સંસ્થાપક ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ઉપયોગ બધા વિસ્તાર શ્રમજીવીઓ હોય સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હોવાથી સામાન્ય તાવ શરદી, ઉધરસ, ઝાડ ઉલ્ટી સહિતની બીમારીઓ માટે ખાનગી દવાખાના કે મોંઘી હોસ્પિટલમાં સારવાર પરવડે એમ નથી છતાં તમામ વર્ગના લોકોને ખાનગી દવાખાનામાં કે મોટી હોસ્પિટલમાં જવું પડે છે અને પોતાની આર્થિક સ્થિતિને ન પરવડે એવો ખર્ચ કરી નાખવા મજબૂર બનતા હોય છે. ત્યારે આવા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા લોકો વિનામૂલ્યે સારી આરોગ્ય સેવા મળી રહે તેવો જ અમારો ઉદેશ્ય હોવાનું જણાવ્યું હતું.

