વર્ષ 2023 માટે વિમલભાઈ પટેલની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની દર વર્ષે અલગ અલગ વિભાગોમાંથી પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર વિભાગના નવ જિલ્લામાંથી મોરબી જિલ્લાના હળવદના માનસર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ નિભાવતા વિમલભાઈ પટેલની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિમલભાઈની વાત કરવામાં આવે તો માનસર પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ પ્રત્યે રૂચી તેમજ અનિયમિતતા પર અકુંશ મેળવવા માટે પપેટ શો, શેડો પપેટ સહિત શિક્ષણમાં રૂચી વધે તેવા પ્રયોગો હાથ ધર્યા છે. સાથે તેમણે બનાવેલી શોર્ટ ફિલ્મ ભણતરના અજવાળા નેશનલ લેવલે પસંદગી પામી હતી. ત્યારે માનસર પ્રાથમિક શાળાના આચાર્ય વિમલભાઈ પટેલની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ઠેર ઠેરથી શુભેચ્છકોની અઢળક શુભકામનાઓ વર્ષી રહી છે.

