સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ એક્સાઇઝ દ્વારા જીએસટીનું કલેક્શન વધારવા અને ટેક્સચોરી રોકવા માટે વધુ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આગામી 1 જાન્યુઆરીથી 5 કરોડથી વધુના ટર્નઓવર ધરાવનારા વેપારીઓ માટે ઈ-ઈન્વોઈસ ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારા વેપારીઓને ઈ-ઈન્વોઈસનો કાયદો લાગુ પડતો હતો. જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જીએસટી વિભાગ મેન્યુઅલી ઇ-વે બિલને બિલકુલ બંધ કરવા છે તે દિશામાં આગળ વધી રહી છે. સૌપ્રથમ 500 કરોડ રૂપિયાથી વધારે ટર્નઓવર ધરાવનારા વેપારીઓ માટે ઈ-ઈન્વોઈસનો કાયદો અમલમાં આવ્યો હતો જે ક્રમશઃ તબક્કાવાર વધારીને હાલ 10 કરોડથી વધુના ટર્નઓવર ધરાવનારા વેપારીઓને આ દાયરામાં શામેલ કરવામાં આવ્યા છે.
મોટો કંટ્રોલ: સીએનું કહેવું છે કે જીએસટીનું કલેક્શન વધે અને ટેક્સચોરી રોકવા માટે સરકાર દ્વારા ઈ-ઈન્વોઈસનો કાયદો અમલમાં લાવવામાં આવી રહ્યો છે. ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે, જે વેપારીઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી વધારે હોય તેવા વેપારીઓ માટે સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી ઈ-ઈન્વોઈસ ફરજિયાત કરવામાં આવતા મોટી સંખ્યામાં વેપારીઓ આ દાયરામાં આવી જશે. આ કાયદો લાગુ પડતા ટેક્સચોરી રોકાશે તેમજ ખોટી રીતે કરવામાં આવતા આઇટીસી ક્લેઇમના કેસો પર પણ અંકુશ લાગશે.

