વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે રાજકોટમાં યુવા કાર્યકરોને સક્રિય કરવા માટે પ્રદેશ યુવા ભાજપની કારોબારી બેઠક તા.3ને શનિવારે યોજાઈ રહી છે જેમાં યુવા ભાજપ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યા હાજર રહેશે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના જણાવાયા પ્રમાણે એરપોર્ટ ખાતેથી રેલી યોજાશે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે તેજસ્વી સૂર્યા પત્રકાર પરિષદને સંબોધન કરશે. રાજકોટ ખાતે સવારે 9 કલાકે તેજસ્વી સૂર્યાનુ આગમન થતા એરપોર્ટથી રેસકોર્સ રિંગરોડ ઉપર થઈને બાઈકરેલી દ્વારા તેમનું અભિવાદન કરાશે. રેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચતા વિરામ લેશે અને ત્યાં પત્રકારો સાથે વાતચીત થશે. બાદમાં સવારે 10.30 કલાકે સામે કાંઠે પેડક રોડ ઉપર આવેલ અટલ બિહારી બાજપેયી ઓડિટોરીયમ ખાતે પ્રદેશ ભાજપ કારોબારી યોજાશે અને તેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા અને ઠરાવો કરવામાં આવનાર છે. સ્થાનિક ટીમ દ્વારા યુવા મોરચાની કારોબારી માટે તૈયારીઓ ચાલી રહી છે.

