મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા માટે થોડા રાહતના વાવડ આવ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી હાલ ટામેટાની આવક વધારો થતા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટીંગ યાર્ડના સૂત્રોએ કહયું હતું કે, ટમેટાની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે રાજકોટ યાર્ડમાં ટમેટાની 796 કવીન્ટલની આવક હતી અને 20 કિલોના ભાવ રૂ.300થી 550નો જોવા મળ્યો હતો. ટમેટાના હોલસેલમાં પ્રતિકિલોના ભાવ રૂ.15થી 30 સુધીના માલ પ્રમાણે હતા જેની સામે છૂટક બજારમાં ટમેટાનો ભાવ રૂ.30થી 40 સુધીનો જોવા મળી રહ્યો છે.
બજારમાં ડિમાંડ અને સપ્લાયના રૂલ પ્રમાણે ભાવમાં ઘટાડો થયો છે. હાલ પુરતા પ્રમાણમાં માલ આવી રહ્યો હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં હાલ ઘિસોડા, ગલકા,કાકડીના હોલસેલમાં નીચા ભાવ જોવા મળી રહ્યા છે પણ છૂટક બજારમાં તેના 50 ટકાથી વધુ ભાવ વસૂલાય છે. એક માસ પહેલા સિસકારા બોલાવી દે તેવા ભાવ ઘરાવતા ટમેટાના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. અગાઉ 100ના કિલો મળતા ટમેટાની આવક વધતા ભાવ રૂ.40થી 50નો બોલાઈ રહ્યો છે.
શાકભાજી ભાવ
મરચા 250-650, લીંબુ 500-1000, બટેટા 210-430, ટમેટા 300-550, ભીંડો 240-560, રીંગણા 200-630, કોબીજ 250-500,ફલાવર 200-400, દુધી 120-320, કાકડી 150-400, ગાજર 530-720. વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે.

