હિમાચલ પ્રદેશમાં ખેમ સિંહના 2 માળના મકાનમાં પરિવારના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. આ દરમિયાન મોડી રાત્રે ડુંગર ધરાશાયી થતાં એક જ પરિવારના 7 લોકો દટાયા હતા. મળતી માહિતી મુજબ, કશાન પંચાયતના વડા ખેમ સિંહના પાકાં મકાન પર ઘરની પાછળથી કાટમાળ પડ્યો હતો, જેમાં પરિવારના સભ્યો દટાઈ ગયા હતા.
હિમાચલ પ્રદેશમા ભારે વરસાદને કારણે મંડીમાં ભૂસ્ખલન થયું હતું. સબ ડિવિઝન ગોહરના ગ્રામ પંચાયત કાશનના જડોન ગામમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પંચાયત પ્રધાન ખેમ સિંહના ઘરે ભૂસ્ખલનથી ઘર સહિત પરિવારના 7 લોકો કાટમાળ નીચે દટાયા હતા.
અધિકારી એ કહ્યું કે રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 4 વાગ્યાથી ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી, પરંતુ રસ્તો બંધ હોવાને કારણે ઘટના સ્થળે પહોંચવું મુશ્કેલ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે મંડી પ્રશાસને આજે શાળાઓ બંધ રાખી છે. તે જ સમયે, હિમાચલમાં 25 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેશે.

