જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ITBP જવાનોને લઈ જતી બસ ચંદનવાડી વિસ્તારમાં ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 7 જવાન શહીદ થયા છે, જેમાં 6 ITBP અને 1 પોલીસકર્મીનો સમાવેશ થાય છે. 32 જવાન ઘાયલ છે જેમાંથી 6ની હાલત ગંભીર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે.
ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બસમાં 39 સૈનિકો સવાર હતા. તેમાં ITBP 37 અને જમ્મુ અને કાશ્મીર પોલીસના 2 જવાન હતા. બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
#WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/r66lQztfKu
— ANI (@ANI) August 16, 2022
2 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
આઇટીબીપીના બે જવાનો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય પાંચ જવાનોએ બાદમાં તેમની ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જાનહાનિ વધવાની આશંકા છે. તેમણે કહ્યું કે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના હેલિકોપ્ટરને ઘાયલોને લઈ જવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રાથી પરત ફરતી વખતે અકસ્માત
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બસમાં સવાર જવાન અમરનાથ યાત્રા ડ્યુટી પરથી પરત ફરી રહ્યા હતા. ITBP કમાન્ડોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે જેથી બચાવ કામગીરી ઝડપી કરી શકાય.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મિની બસ રોડ પરથી લપસીને ખીણમાં પડી હતી, જેમાં 18 લોકો ઘાયલ થયા હતા. બસમાં મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મિનિબસ બર્મિનથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને બસ ઘોરડી ગામ નજીક ખાડીમાં પડી ગઈ. 11 વિદ્યાર્થીઓ સહિત 18 ઘાયલોને સારવાર માટે ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

