સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતમાં 37 ડેમ પર હાઈએલર્ટ જાહેર કરાયું છે. એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે, 37 ડેમ પૈકી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે.
જ્યારે 8 ડેમોમાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 11 ડેમોમાં 70થી 80 ટકા વચ્ચે જળસંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં જોઈએ તેવી પાણીની ખાસ આવક થઈ નથી, જેને લઈ ત્યાંના 15 ડેમમાં 14 ટકા જેટલો પાણીનો સંગ્રહ છે.

કચ્છમાં 15 દિવસ પહેલાં ડેમોના તળિયા દેખાયા હતા, જોકે ધોધમાર વરસાદ વચ્ચે કચ્છના 20 ડેમોમાં 53 ટકા જેટલો સંગ્રહ થયો છે, 20 પૈકી 9 ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના 3, સૌરાષ્ટ્રના 2 એમ કુલ 14 ડેમો છલોછલ થયા છે.
સરદાર સરોવર ડેમમાં 47.71 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 38.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 56.54 ટકા અને મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 33.68 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

