ઈલોન મસ્ક ટ્વિટરને પારદર્શક બનાવવાની તરફેણમાં છે. ટ્વિટરના નવા માલિક થનારા ઈલોન મસ્કે કહ્યું હતું કે કંપનીએ ફેક એકાઉન્ટની વિગતો જાહેર કરવી જોઈએ. બોટથી સંચાલિત એકાઉન્ટ્સની સંખ્યા કેટલી છે તેની જાણકારી આપવામાં નહીં આવે તો ડીલ રદ્ થઈ શકે છે. મસ્કની ધમકી પછી હવે કંપનીએ જાહેરાત કરી હતી કે કંપની દરરોજ ૧૦ લાખ સ્પામ એકાઉન્ટ ડિલિટ કરી રહી છે.
દાવો કર્યો: મસ્ક દાવો કરે છે કે ટ્વિટરના કુલ એક્ટિવ યુઝર્સમાંથી પાંચ ટકા ફેક એકાઉન્ટ્સ છે. જોકે, કંપનીએ કેટલા એકાઉન્ટ્સ ડિલિટ કરાયા તેની સ્પષ્ટ જાણકારી આપી ન હતી. ટ્વિટરના અંદાજે ૨૩ કરોડ મન્થલી એક્ટિવ યુઝર્સ છે. એમાંતી મસ્કના દાવા પ્રમાણે પાંચ ટકા એકાઉન્ટ ફેક હોય તો આંકડો ઘણો મોટો હોઈ શકે છે.

સ્ટાફ ઘતાડ્યો: બીજી તરફ કર્મચારીઓ ઘટાડવાના મસ્કના સંકેત બાદ ટ્વિટરે કર્મચારીઓની છટણી શરૃ કરી છે. ટ્વિટરની એચઆર વિભાગની ટીમમાંથી ૩૦ ટકા કર્મચારીઓની છટણી થઈ હતી. ટ્વિટરના જાહેરાત પ્રમાણે ૧૦૦ કર્મચારીઓને એચઆર ટીમમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. ગયા મહિને ટ્વિટરના કર્મચારીઓને ઈલોન મસ્કે ઓનલાઈન સંબોધ્યા હતા ત્યારે કંપનીનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો સંકેત આપ્યો હતો. ત્યારથી ટ્વિટરમાં મોટાપાયે છટણી થશે એવું મનાતું હતું, આખરે તેની શરૃઆત થઈ ચૂકી છે.
નવી ભરતી બંધ: અગાઉ કંપનીએ નવા કર્મચારીઓની ભરતી બંધ હોવાની જાહેરાત કરતા કહ્યું હતું કે નવા મેનેજમેન્ટની માગણી અને કંપનીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ભરતી હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે.

