માળીયા મિંયાણા : દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે અને આ પરીક્ષા પાસ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે.
આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં માળીયા મિંયાણા તાલુકાના મોટી બરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ખડોલા દક્ષ કિર્તનભાઈ ઉત્તીર્ણ થયો છે. દક્ષે જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને તેમના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

