હળવદ પંથકમાં પસાર થતી સિંચાઈ માટે નીકળતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે આ કેનાલમાંથી મળતા પાણીના કારણે અનેક ગામમાં ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે જોકે આ જ કેનાલ અનેકવાર અભિશાપ બની છે તાજેતરમાં વરસાદ ખેચાતા ખેડુતો દ્વારા નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી હતી જે બાદ સરકારે તેની મંજુરી આપી દેતા ઢાકી સંપથી નીકળી બ્રાહ્મણી 2 ડેમમાં જતી નર્મદા કેનાલમાં ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચેથી પસાર થતી માઈનોર કેનાલ D-13માં ઢવાણા,જીવા અને કોઢ ગામની વચ્ચે કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું હતું ગાબડાને પગલે કેનાલમાંથી નીકળતું પાણી અચાનક ખેતરો તરફ વળી ગયું હતું અને આ ધસમસતો પ્રવાહ ખેતરોને ગણતરીની મિનીટમાં ઘેરી લીધો હતો પાણીની ગતિ અને પ્રવાહ એટલો વધારે હતો કે ખેડૂતો કહી સમજે તે પહેલા ઉભા પાકનો સોથ વળી ગયો હતો

ઘટનાની જાણ થતા ખેડૂતો દ્વારા નર્મદાના અધિકારીઓને જાણ કરી હતી જોકે પાણી મોડે સુધી બંધ ન થતા અનેક ખેતર આ લકેનાલના પ્રવાહની ઝપટમાં આવી ગયા હતા. ખેડૂતોએ કેનાલના પાણીથી પાકને થયેલા નુક્શાન માટે વળતરની માંગણી કરી હતી.

