ભાવનગર શહેરમાં ધો.1થી 12ની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઇને ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ શહેરની અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય પાઠયપુસ્તક મંડળના વાંકે પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવો પડ્યો છે. પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પુસ્તકો માટે દોડા દોડી કરવી પડી રહી છે. જેમ કે ધો.11માં એક વખત પાઠ્યપુસ્તકોનો જથ્થો આવી ગયા બાદ બીજી વખત પુસ્તકો આવ્યા જ નથ તો બીજી તરફ શિક્ષણ કાર્ય તો શરૂ થઇ ગયું છે.
પુસ્તક નથી મળતા: સ્કૂલ શરૂ થયાના અઠવાડિયા ઉપર સમય થવા છતાં હજી માર્કેટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ધોરણ-4માં અંગ્રેજી, ધોરણ 6 વિજ્ઞાન, ધોરણ 7 ગણિત, ધોરણ 8માં ગણિત અંગ્રેજી જેવા પાઠયપુસ્તકો શાળાઓ શરુ થઇ ગયા બાદ પણ ન મળતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી છે. આ અંગે સ્ટેશનરી એસો.એ જણાવ્યું હતુ કે ભાવનગરમાં શરૂઆતમાં એક વખત પાઠ્યપુસ્તકોનો જથ્થો આવી ગયા બાદ હવે ઓર્ડર આપો તેના માંડ 10થી 20 ટકા જેટલો જ માલ મોકલવામાં આવે છે. પુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તક માટે અવારનવાર પૂછપરછ કરવા ધક્કા ખાય છે. પાઠયપુસ્તક મંડળ પાસે પૂરતા પ્રમાણમાં કાગળનો જથ્થો પણ નથી.

તાઇફો: 23 જૂનથી ભાવનગરમાં શાળા કક્ષાએ પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે આ પહેલા જિલ્લામાં અભ્યાસ કરતા બાળકોને પાઠ્યપુસ્તકો મળી રહે તેવી માંગ ઉઠી છે. શાળામાં શિક્ષણથી કોઇ વંચિત ન રહે અને નામ નોંધાઇ જાય તે હેતુથી પ્રવેશોત્સવ થાય છે પણ હજી પાઠ્યપુસ્તકો જ પૂરતા નથી મળ્યા તે પ્રશ્ન છે. પ્રવેશોત્સવ પૂર્વે આ વ્યવસ્થા ગોઠવવી આવશ્યક હતી.

