દેશમાં ઝડપભેર આગળ ધપી રહેલા નૈઋત્ય ચોમાસાએ હવે દિલ્હી સહિતના ઉતર ભારતના રાજયોને પણ ભીષણ ગરમીમાંથી રાહત આપી છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદથી રાહત થઈ હતી. ઉતરપ્રદેશના નોઈડાના અમુક ભાગોમાં પણ વરસાદના ટકોરા પડયા હતા. પાટનગર દિલ્હી સહિત ઉતર ભારતના રાજયોમાં હવામાન પલ્ટા સાથે વરસાદ વરસ્યો હતો.
વાતાવરણ ટાઢું: દિલ્હીમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને મહતમ વરસાદ સાથે 30થી40 કીમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વિજળીના કડાકા ભડાકા તથા ગાજવીજની સંભાવના દર્શાવવામાં આવી છે. સીમલા, ધર્મશાલા જેવા પ્રવાસન સ્થળોમાં હળવો વરસાદ થતા ગરમીમાંથી રાહત મળી હતી. જમ્મુ-કાશ્મીરમાં પણ ધૂળની આંધી સાથે પ્રિ-મોન્સુન વરસાદની શકયતા છે. જૂનના અંત સુધીમાં ચોમાસાનો પ્રવેશ થવાની આગાહી છે.

ચોમાસુ સક્રિય: મોટાભાગના રાજયોમાં હળવો-ભારે વરસાદ વરસતો રહ્યાનું ચિત્ર છે. આવતા પાંચ દિવસમાં અનેક રાજયોમાં ભારે-વ્યાપક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તેમાં પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, ઉતરપ્રદેશ, ઉતરાખંડ જેવા રાજયોનો પણ સમાવેશ થાય છે.

