દેશની મેટ્રો સીટીથી લઇ ડી ગ્રેડની નગરપાલીકા સુધી સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને સફાઈને રૂટીન કામગીરીના બદલે એક કોમ્પિટિશન લેવલથી લે અને પોતાના શહેરને વધુને વધુ માર્કિંગ લાવી દેશભરમાં અલગ ઓળખ લાવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 2 ઓક્ટોબર 2014થી દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ શરુ કરવાની જાહેરાત કરી હતી અને 1 જાન્યુઆરી 2015થી દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ શરુ કરવામાં આવ્યું હતું જેમાં દેશની મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાને જોડવામાં આવી અને દર વર્ષે અલગ અલગ કેટગરી મુજબ સફાઈ કામગીરીને વેચવામાં આવી છે અને તેના આધારે માર્કિંગ કરવામાં આવે છે. મોરબી નગરપાલિકા પણ દર વર્ષે આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે અને દર વર્ષે તેના પરિણામમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે ગત સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકા સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમે રાજ્યમાં 7માં ક્રમે જયારે દેશમાં 85મો ક્રમ મેળવ્યો હતો.હવે 2022માં યોજાનાર સર્વેક્ષણમાં પાલિકા ફરી ભાગ લઇ રહી છે જેના ભાગરૂપે અલગ અલગ કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા ડોર ટુ ડોર કચરા નિકાલમાં ચાલતી લાલિયાવાડી સામે લાલ આંખ કરી કામગીરીમાં બેદરકારી દાખવતી એજન્સીઓને બરખાસ્ત કરી હતી અને પાલિકાએ પોતે જ તેનું સંચાલન સાંભળી લીધું છે. આ માટે પાલિકાના વોર્ડ દીઠ સુપરવાઈઝર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બોયઝ હાઈસ્કુલ આસપાસ રોડમાં પેઈન્ટીંગ કર્યું હતું. જાહેર હોર્ડિંગ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સિવાય પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરી હતી. જાહેર શૌચાલયને ઓડીએફ પ્લસ જાહેર કર્યું હતું.
પાલિકા દ્વારા તેમના તરફથી પોતાની કામગીરી પૂર્ણ કર્યા બાદ કેન્દ્રની એક ટીમ તપાસ માટે આવી પહોંચી હતી અને ડોક્યુમેન્ટ ચકાસણી તેમજ વિવિધ શૌચાલય અને ડમ્પિંગ સાઈટની મુલાકાત લઈ તપાસણી કરી હતી. જોકે ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ પાલિકાની કઈ કામગીરી સારી છે કઈ કામગીરીમાં સુધારાની જરૂર છે તે બાબતે સ્પસ્ટતા કરવામાં આવી નથી.કે કોઈ પણ પ્રકારનું સજેશન આપવામાં આવ્યા નથી. પાલિકાએ સર્વેક્ષણમાં કેવું પ્રદર્શન કર્યું તે હાલ સસ્પેન્સ રહ્યું છે આગામી મહિનાઓમાં જયારે કેન્દ્ર તરફથી પરિણામ જાહેર થશે ત્યારે પાલિકાનું પ્રદર્શન કેટલું સુધર્યું અથવા કેટલું બગડ્યું તેનો ખ્યાલ આવશે

