આશ્રમના ગાદીપતિ 1008 મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતી મહારાજ તા.30 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યાથી આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ડૉ.રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ હેતું નીકળ્યા હતા. પછી પરત તે આશ્રમ આવવા માટે નીકળ્યા હતા. પછી એમનો કોઈ પત્તો મળ્યો નથી.
રાત્રી ભોજન કરવા માટે તેઓ વડોદરાના સેવક રાકેશ ડોડિયાના ઘરે ગયા હતા. રાત્રીના નવ વાગ્યા આસપાસ કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસે શિષ્ય કાળુભારતી પાસે જવાનું કહેતા કપુરાઈ ચોકડી પાસે ચેકપોસ્ટ પાછળ હનુમાન ડેરીએ કારમાંથી ડ્રોપ કર્યા. તા.1 મેં સુધી આશ્રમમાં ન પહોંચતા સેવકમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કાળુ ભારતીને સંપર્ક કરતા તેમણે ઈન્કાર કર્યો હતો કે, તેઓ મળવા માટે આવ્યા જ નથી. જ્યારે રાકેશ ડોડિયાએ કહ્યું કે, તેમણે સંતને કપુરાઈ ચેકપોસ્ટ પર ડ્રોપ કર્યા બાદ જાણ નથી. જૂનાગઢ સહિતના આશ્રમમાં એમની તપાસ માટે ચક્રો ગતિમાન થયા છે. પણ હજુ સુધી એમની કોઈ ભાળ મળી નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ કહે છે કે, ભારતી આશ્રમ સરખેજનો વિવાદ ખૂબ જ થયો છે.

એક વર્ષ થયું મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલિન થયા ત્યાર પછીથી સતત વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસેથી આશ્રમ માંગે છે, વીલ મારા નામે છે. મારી સામે ફ્રોડ (નકલી) વીલ બનાવ્યા. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું છે. મારી પર એનકેન પ્રકારે કિચડ ઉડ્યાં અને ઉડાડે છે એવા માણસો તૈયાર કર્યા. માણસો પણ કિચડ ઉડાડી મને દબાણ કરે છે. તો હું કંટાળી ગયો છું અને કંટાળીને મેં આ નિર્ણય લીધો છે કે હું આ છોડીને નિકળી જાઉં.
વડોદરાના DCP ઝોન-3 હશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, ‘પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા હરિહરાનંદ બાપુ ગુમ થવાની અરજી મળ્યા બાદ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ હરિહરાનંદના સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ વીડિયો કે તેમની ચિઠ્ઠી અંગે અમને કોઇ જાણ નથી. જો કોઇ આવી માહિતી આપશે તો અમે તે અંગે તપાસ કરીશું. જ્યારે શિષ્ય ઋષિભારતીએ કહ્યું કે, મને પણ હરિહરાનંદ બાપુની ચિંતા થાય છે. અમારા તો ગુરુ થાય છે. હું અત્યારે તો રાણા કંડોરણા છું. અમારે કોર્ટ મેટર ચાલે છે એય યથાવત્ છે. ત્યાંની જવાબદારી મહાદેવ બાપુની છે. પણ તેઓ મારોય ફોન નથી ઉપાડતા.

ભારતી આશ્રમના મહંત સ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાના કપુરાઈ ચોકથી ગુમ થઈ ગયા છે. આ અંગેની એક અરજી પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટના સંબંધીત સંતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ ચોખવટ કરે છે કે, અમદાવાદની સરખેજ ગાદીને કારણે થયેલા વિવાદથી આશ્રમ છોડીને જઈ રહ્યા છે. પરમેશ્વર ભારતીએ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

