કોંગ્રેસ પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો આવ્યા બાદ રવિવારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને દિલ્હીથી તેડું આવ્યું હતું. હાર્દિક પટેલ યુદ્ધના ધોરણે દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા. રઘુ શર્માએ હાર્દિક પટેલનો રીપોર્ટ દિલ્હી સુધી મોકલ્યો હતો. એ પછી હાર્દિક પટેલની દિલ્હીમાં મુલાકાત થઈ હતી. જ્યાં કોંગ્રેસના મહાસચીવ કે.સી.વેણુગોપાલે હાર્દિક પટેલને ખખડાવ્યા હતા. ધીમે ધીમે હાર્દિક પટેલની નારાજગી વધી રહી છે. સુત્રોમાંથી વિગત મળી છે કે,રાષ્ટ્રીય મહાસચીવ વેણુંગોપાલ અને હાર્દિક પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી.
બંને વચ્ચે થયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં પોતાની અવગણના થતી હોવાનું જણાવ્યું હતું. પણ વેણુંગોપાલે હાર્દિક પટેલને ઠપકો આપ્યો છે. કહ્યું છે કે, પક્ષને નુકસાન થાય એવા કોઈ દિવસ નિવેદન ન આપવા. પણ સત્તાવાર રીતે આ કેસની ખાતરી મળી નથી. હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે ખટાશ હવે સામે આવી રહી છે. કોંગ્રેસમાં હાર્દિક પટેલની અવગણના થાય છે આ તેઓ જાહેરમાં કહી ચૂક્યા છે. એવામાં હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી અટકળોએ જોર પકડ્યું છે. સુત્રોમાંથી એવી પણ વિગત મળી કે, દિલ્હીમાં જઈને હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે પણ ફરિયાદ કરી છે. આ અંગે રઘુ શર્મા પાસેથી હાઈકમાન્ડ રીપોર્ટ મંગાવશે. આ સિવાય પક્ષને લઈને હાર્દિક પટેલની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. વેણુંગોપાલે કેટલીક ફરિયાદનો નીવેડો લાવવા માટે ખાતરી આપી છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે, હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. પણ આ બેઠકમાં ક્યા મુદ્દાઓ પર વાત થઈ એ અંગે કોઈ વિગત સામે આવી નથી. બીજી બાજું આમ આદમી પાર્ટીએ હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવા આમંત્રણ આપ્યું છે.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આ એક સંઘર્ષની પાર્ટી છે. અમે લોકો માટે લડીને અવાજ ઊઠાવીએ છીએ. હાર્દિક પટેલ પણ લોકો માટે અવાજ ઊઠાવે છે. એ સારા લડવૈયા છે તેને આમ આદમી પાર્ટી સાથે જોડાવું જોઈએ. હાર્દિક મારો મિત્ર છે અને સામાજિક રીતે પણ જોડાયેલા છીએ. સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક મુદ્દાઓ પર મારા અને હાર્દિક વચ્ચે વાતચીત થાય છે. જોકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને કોંગ્રેસને મજબુત કરવા માટે પાયાના પ્રયાસ થઈ રહ્યા છે. એવામાં હાર્દિક પટેલને દિલ્હીથી તેડું આવવું ઘણી બધી રીતે સૂચક માનવામાં આવે છે.

