વડોદરામાં ગાયકવાડ રાજવી શાસન વખતે પ્રજાની સુખાકારી અને સુવિધાઓ માટે ખૂબ સારી વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ દેશની આઝાદીનાં વર્ષો બાદ પણ વડોદરા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર માટે તંત્રને સત્તાવાર નિવાસસ્થાન બનાવવાનો સમય નથી. તંત્ર નબળું અને નિષ્ફળ નીવડ્યું છે. ગુજરાતનાં ચાર મહાનગર- સુરત, વડોદરા અમદાવાદ, અને રાજકોટમાં મેયર માટે ખાસ નિવાસસ્થાન છે. પણ વડોદરા જ એક એવું શહેર છે, જ્યાં મેયર બંગલો નથી. જ્યારે બીજી તરફ વડોદરામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જજ, વાઇસ-ચાન્સેલર માટે સત્તાવાર નિવાસસ્થાનોની સુવિધા ખૂબ સારી છે.
શું કહે છે વડોદરાના મેયર?
વડોદરાના મેયર કેયુર રોકડિયા કહે છે કે, વડોદરામાં મેયર બંગલોની સુવિધા નથી. મેયર બંગલો હોવો જોઈએ મારી ના નથી. પણ મારો અંગત અભિપ્રાય છે કે, મારે બંગલાની જરૂર નથી. જે તે સમયે મને પણ કહેવામાં આવ્યું હતું કે, મેયર બંગલો બનાવો પણ એ સમયે કોરોના કાળમાં લોકોને તથા દર્દીઓને મદદ મળે એ દિશાની ચિંતા કરીને નિર્ણાણ કરવાની ના પાડી. ભવિષ્યમાં ક્યાં અને ઓછા ખર્ચે બનાવી શકાય એ અંગે ચિંતા કરીશ.હાલ જરૂર નથી. અત્યારે મેયર બંગલા વિશે વિચાર કર્યો નથી.
કેમ નથી બંગલો?
વડોદરા મહાનગર પાલિકાએ વર્ષ 2015માં મેયર બંગલા તૈયાર કરવા માટે કવાયત શરૂ કરી હતી. પણ કમાટી બાગની જગ્યાના વિવાદમાં બંગલો અટવાઈ ગયો. મેયર કહે છે કે, જો બંગલો બને તો કમાટીબાગમાં બને. કમાટીબાગની અંદર મ્યુનિસિપલ કમિશનરનો બંગલો છે. એટલે ત્યાં બનાવવો જોઈએ એવું હું માનું છું. અત્યારે અમે કોઈ વિચારણા નથી કરી. કોઈ પ્રાથમિક ચર્ચા પણ નથી કરી. ભૂતકાળમાં જમીન ફાળવાઈ હતી કે નહીં એ અંગે મને ખબર નથી. પણ વિચારણા થઈ હતી. નાગરિકો મારા ઘરે જે તે રજૂઆત લઈને આવી શકે છે. આ બંગલાના રૂપિયાનો ખર્ચ લોકોની સુખાકારી અને સુવિધા માટે થવો જોઈએ. જરૂર પડશે તો બીજ મેયર વાપરી શકે એ માટે નવા આયોજન અંગે વિચારીશું. વડોદરા શહેરનો કોઈ પણ નાગરિક મેયર ઓફિસે આવી શકે છે. કોઈ પણ નાગરિકને પ્રશ્નો લઈને આવવા છૂટ છે.
મેયરનું કોઈ સત્તાવાર સ્થાન નહીંઃ નરેન્દ્ર રાવત
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, રાજ્યની તમામ મહાનગર પાલિકામાં જે તે શહેરના પ્રથમ નાગરિક મેયર માટે સત્તાવાર નિવાસસ્થાન છે પણ વડોદરામાં આવું નથી. કમનસીબે વડોદરા શહેર ઐતિહાસિક નગરી છે, પરંતુ અહીં મેયરનું કોઇ સત્તાવાર નિવાસસ્થાન નથી.મારૂ ચોક્કસથી એવું માનવું છે કે, કોઈ પણ શહેરનો મેયર જેના પર શહેરની જવાબદારી હોય છે, દેશ વિદેશના લોકોને મળવાનું હોય છે.એમની એક જગ્યા નક્કી હોવી જોઈએ. જેથી એ પદનું માન જળવાઈ રહે. મેયર બંગલો ન બનાવા માટે વડોદરામાં જગ્યાની પસંદગીનો વિવાદ મોટું કારણ છે. શહેરમાં કોર્પોરેશને વર્ષ 2015માં કમાટીબાગમાં સંકલ્પ ભૂમિ નજીક મેયર બંગલા અંગે કવાયત હાથ ધરી હતી. સામે વડોદરામાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જ વિરોધ વ્યક્ત કર્યો હતો.દલીલ એવી હતી કે કમાટીબાગ લોકોની સુવિધા માટે છે. ત્યાં બંગલો ન બનવો જોઇએ.

હવે રાવત કહે છે કે, મેયર એટલે શહેરની મુખ્ય વ્યક્તિ, સન્માન જળવાય, પદની ગરિમા જળવાય અને તેમની કામગીરી પણ વિશેષ હોય છે. મેયર ઘરે બેસીને પ્રેસને સંબોધી શકે, લોકોને સરળતાથી મળી શકે એ પ્રકારની વ્યવસ્થા જોઇએ. જો કોઇ આર્થિક રીતે નબળી વ્યક્તિ મેયર બની હોય તો તેમનું નિવાસસ્થાન નાનું હોય, તેઓ વ્યવસ્થા ન ઉભી કરી શકે. જેથી મેયર બંગલો હોવો જોઇએ. મેયર બંગલો અલકાપુરી કે બીજે ક્યાંક બનાવો. આ બંગલાની વ્યવસ્થા હોય તો આર્થિક રીતે નબળો વ્યક્તિ મેયર પદે આવે તો સગવડ મળી રહે. સુરક્ષા પણ થઈ શકે.એમનું એક સત્તવાર નિવાસસ્થાન હોવું જ જોઈએ. જો કમાટીબાગમાં કોર્પોરેસન કમિશનરનો આલીશાન બંગલો ખૂબ મોટા સ્તરે હોય, વડોદરાના જજ અલકાપુરીમાં હોય, કલેક્ટર હોય, પોલીસ કમિશનર હોય, તમામના ખૂબ મોટા બંગલા આવેલા છે. તો મેયરનો કેમ નહીં.
પૂર્વ મેયર કહે છે બંગલો જોઈએ
વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી કહે છે કે, મેયર બંલો હોવો જોઈએ. મેયર બનાવ કે ન બનાવે એ અલગ મુદ્દો છે. મારા મત અનુસાર હોવો જોઈએ. વિદેશથી મેયરને મળવા માટે ડેલિગેશન આવે છે. આ વિષય હું મેયર તરીકે હતો ત્યારે પણ નીકળ્યો હતો.પણ એ સમયે આ કામ પ્રાયોરિટી પર લીધું નહીં. શહેરના ઓછા ટ્રાફિકવાળા વિસ્તારમાં મેયર બંગલો બનાવી શકાય. કારેલીબાગ, સમા વિસ્તાર યોગ્ય. કારણ કે, મેયરને મિટિંગ કરવાની હોય. આ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ.
રૂ.4. 83 કરોડના ખર્ચે સુરતના મેયર માટે 6 બેડરૂમનો બંગલો છે. જેના ડેકોરેશન પાછળ સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ઉધના મગદલ્લા રોડ સુરતમાં, ભટાર ચાર રસ્તા નજીક આવેલા બ્રેડલાઈનર સર્કલ આગળ મેયરના બંગલો તૈયાર કરાયો છે. 5983 ચો. મીટર એટલે કે 64377 ચો.ફૂટ ક્ષેત્રફળમાં 6 બેડરૂમ સાથેનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે

