અદાણી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર ૭૫ દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે
અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની ૨૦૦ ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રન વેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાકના ’નોટમ’ (નોટીસ ટુ એરમેન)નો ઉપયોગ કરી માળખાકીય ક્ષેત્રમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અદાણી ઉદ્યોગ સમૂહની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ પડકારને ઝીલી લઇ હલ કર્યો છે.
આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર ૭૫ દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના ૧૫ કલાક દરમિયાન સરેરાશ રોજની ૧૬૦ ફ્લાઇટ્સ માટેસરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટે રનવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આ રનવે માટે ૨૦૦ કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે ૪૦ મજલાની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.અગાઉ ૧૦ નવેમ્બર ૨૦૨૧થી શરુ થયેલા આ પ્રોજેક્ટ માટે કામકાજના ૨૦૦ દિવસનું આયોજન હતું. પરંતુ કંપનીની માળખાકીય કામકાજના અનુભવની ક્ષમતા અને તેમાં નિરંતર સુધારા કરવાના પ્રયાસો તેમજ પ્રવાસી જનતાને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને અદાણી સમૂહે તેના ૨૦૦ દિવસના લક્ષ્યને ઘટાડી સંસાધનોમાં ઉમેરો કરી અડધાથી પણ ઓછા ૯૦ દિવસ કર્યા હતા. કંપનીના આ પ્રયાસોમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકની ઉત્સાહી ૬૦૦ ઉદ્યમી કર્મચારીઓની ટીમનો જુસ્સો અને ૨૦૦ જેટલા અત્યાધુનિક સાધનોની શક્તિના પ્રચંડ સહયોગથી આ પડકારજનક કામગીરી ૧૦ લાખ સુરક્ષિત માનવ કલાકોમાં તેની પૂર્ણતાના આખરી મુકામે ફક્ત ૭૫ દિવસમાં પહોંચી હતી.

અદાણી સમૂહે નવેમ્બર-૨૦૨૦માં એસવીપી આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને રનવેની ગુણવત્તા ઉચ્ચ ધોરણને અનુરુપ નહી હોવાનું તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રનવે રીકાર્પેટીંગનો પ્રોજેકટ ઉદ્યોગોના ધોરણો અનુસાર ત્રણ કેલેન્ડર વર્ષમાં બે તબક્કામાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ સમગ્ર કામગીરી શક્ય તેટલા ઓછા સમયમાં પૂરી કરવાનો પડકાર ઝીલી લીધો હતો. વધુમાં એરપોર્ટ ખાતે અન્ય કામોનું અપગ્રેડેશન પણ પુરું કરવામાં આવ્યું છે. એરપોર્ટના રનવેથી લઇ ટેક્સી માર્ગોને સાંકળતી એરફિલ્ડ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ એક અલગ નજરાણું બનીને સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ લાઇટીંગ સિસ્ટમ સમગ્ર જિલ્લાના ૧૨થી ૧૪ ગામોની વીજળી લાઇનની સમકક્ષ છે.

