મોરબી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી જિલ્લા માટે મંજૂર થયેલી સરકારી મેડિકલ કૉલેજ બીજે તબદીલ ન કરવા મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. સમગ્ર દેશમાં તબીબોની ખોટને ઓછી કરવા ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં સરકારી મેડિકલ કૉલેજ કાર્યરત કરવી જોઈએ એવી વર્ષ 2013-14ની રજૂઆતના અનુસંધાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતને ધ્યાને લીધી હતી. પછી એક ચોક્કસ પ્રક્રિયા પૂરી કરીને મોરબી જિલ્લાને મેડિકલ કૉલેજ ફાળવી હતી. જેની જમીન સંપાદન, મકાન સહિતની કામગીરી ન થાય ત્યાં સુધી ગિબ્સન મીડલ સ્કૂલમાં ચાલું કરવા અંગે અપીલ કરી છે.
આ ઉપરાંત જનરલ હોસ્પિટલ મોરબીને પણ અપડેટ કરવા માટેની અપીલ કરી છે. કોરોનાકાળ વખતે મોરબીમાં પણ તબીબોની અછત ઊભી થઈ હતી. પ્રજાને કોરોનાની સારવાર યોગ્ય રીતે મળી શકી ન હતી. એવા સમયે મોરબી ખાતે મંજૂર થયેલી સરકારી મેડિકલ કૉલેજ અન્યત્ર તબદીલ કરવી એ મોરબી માટે અન્યાયકર્તા છે. મોરબી જિલ્લામાંથી અનેક વિદ્યાર્થીઓ દર વર્ષે તબીબી શિક્ષણ હેતું ચીન, ફિલિપાઈન્સ, યુક્રેન, નેપાલ જેવા અનેક દેશમાં જાય છે. એવા સમયે જિલ્લા માટે મંજૂર થયેલી સરકારી મેડિકલ કૉલેજ બીજે તબદીલ કરવાનો નિર્ણય રદ્દ કરી મોરબીમાં જ કાર્યરક કરીને ન્યાય અપવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ માંગ કરી છે.

