બિહારના આરા વિસ્તારમાંથી આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્નીએ એવું પગલું ભર્યું કે, કોઈ વિચારી પણ ન શકે. ભારતીય સેનામાં ઓન ડ્યૂટી રહેલા જવાને પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને પતાવી દીધી હતી. આમ જવાને આત્મહત્યા કરી લીધી હતી. પતિની આત્મહત્યા બાદ પત્નીએ પણ પોતાના શરીરે કેરોસીન છાંટીને પોતાની જાતને જલાવી દીધી હતી.
જેના કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જેની સારવાર માટે આરા સદર હોસ્પિટલમાં એડમીટ કરાઈ હતી. પણ મહિલાની હાલત ગંભીર હોવાનું જણાતા ડૉક્ટરે એને વધુ ઈલાજ માટે પટણા રીફર કરી દીધી હતી. પરિવારમાં આ બે ઘટનાથી પરેશાન થયેલા મૃતકના ભાઈને હાર્ટ એટેક આવી ગયો હતો. એને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર કેસ ઉદવંતનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા પિયનિયા ગામે થયો હતો. મૃત્યુ પામનાર જવાનું નામ મહેશસિંહ છે. જે હૈદરાબાદ બિહાર રેજીમેન્ટમાં નાયક પદે હતા. જ્યારે એની પત્નીનું નામ ગુડિયાદેવી છે. આ ઘટનાને કારણે એમના પરિવારમાં શોકનો માહોલ છે. આ ઘટનાની જાણ થતા જ મોટાભાઈ જયનાથને હાર્ટ એટેક આવી ગયો હતો. ઈલાજ માટે એમને પટણા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આવું શા માટે થયું એ અંગે પરિવારજનોએ કંઈ કહ્યું નથી. પરિવારના લોકો પણ આશ્ચર્યમાં છે કે, જવાને આવું પગલું શા માટે ભર્યું. આખરે બંને વ્યક્તિઓ વચ્ચે એવો તે શું વિવાદ થયો કે, જવાને આવું પગલું ભરી લીધું. એ અંગે અનેક ચર્ચા થઈ રહી છે. પરિવારના એક સભ્યએ જણાવ્યા અનુસાર ગુડિયાદેવી પોતાના પતિ મહેશસિંહ સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. થોડીવાર બાદ માહોલ બદલી ગયો. પછી મહેશે પોતાની સર્વિસ રીવોલ્વરથી પોતાની જાતને ઉડાવી દીધી.

પતિની આવી હાલત જોઈને ગુડિયાદેવીએ પણ પોતાના શરીર પર કેરોસીન છાંટીને જાત જલાવી દીધી. એવું પણ જાણવા મળ્યું હતું કે, મહેશસિંહ ખૂબ જ સ્ટ્રેસમાં રહેતા હતા. પત્ની એને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. બંનેને સંતાનમાં 15 વર્ષની દીકરી છે. બે પુત્રો છે એકની ઉંમર 14 અને બીજાની 12 વર્ષની છે. તેમણે પિયનિયા ગામે પોતાના વડીલોનું ઘર છોડીને પોતાનું મકાન બનાવ્યું હતું. જેને બનાવવા માટે આશરે 2 મહિના પહેલા તેઓ ઘરે આવ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે, તેઓ ખૂબ સારા બોક્સર હતા. માતા પિતાએ આવું પગલું ભરતા સંતાનોના માથેથી છત જતી રહી છે.

