ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય એવો ઘાટ રચાતો જાય છે. બિનસચિવાલયની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરને લઈને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેમ છતાં પેપર લીક થવાની ઘટના સામે આવે છે. એટલે એક વાત એ નક્કી થઈ છે કે, સિસ્ટમમાં કોઈ ભેજાબાજ અડગ થઈને બેઠો છે. રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ દાવો કરવામાં આવી રહ્યો છે. પરીક્ષા શરૂ થાય એ પહેલા જ પ્રશ્નપત્રના જવાબ ફરતાં થયા હતા.
નાગરિક મંડળના લેટરપેડ પર આ જવાબો ફરતાં થયા છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનું મનાય છે. વન રક્ષક પરીક્ષાના પેપર ફૂટી ગયું હોવાનો દાવો થઈ રહ્યો છે. પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્રના જવાબ સામે આવી ગયા હતા. નાગરિક મંડળના લેટરપેડને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાણી પીવા માટે બહાર આવેલા વિદ્યાર્થી પછી જવાબ સાથે પ્રવેશ્યા હતા. 10 નંબરના બ્લોકનો વિદ્યાર્થી એક લેટરપેડ સાથે આવ્યો હતો. એ સમયે રૂમમાં જવાબ સાથે આવતા નિરિક્ષકે પરીક્ષાર્થીને પકડી લેતા આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો છે. એટલે પ્રશ્નપત્રની કોઈને ખબર હતી એ વાત પુરવાર થઈ છે. આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્કૂલના લેટર પેડનો જવાબ લખવામાં ઉપયોગ થતા મામલો અનેક પાસાઓ પરથી શંકાશીલ બની ગયો છે. આ ઉપરાંત સ્કૂલની જવાબદારી અને કામગીરી અંગે પણ અનેક તર્ક વિતર્ક ઊભા થઈ ગયા છે. રવિવારે વન રક્ષક વર્ગ 3ની પરીક્ષાનું આયોજન હતું. આ માટે ખાસ પોલીસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તા.27 માર્ચના રોજ યોજાનારી પરીક્ષાના કેન્દ્રની આસપાસ 100 મીટરના એરિયામાં ઝેરોક્ષની દુકાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય કોઈ ઈલેક્ટ્રિક ગેઝેટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વર્ષ 2018માં આ અંગેની ભરતી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગુજરાત વન વિભાગમાં કુલ 334 જગ્યાઓ ખાલી છે. બપોરના સમયે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, નવી SOPથી આ પેપર લેવામાં આવશે પણ નવી કોઈ SOPનું પાલન થયું હોય એવું આ પેપરમાં ક્યાંય લાગતું નથી. પહેલા આ પેપર ગુજરાત ગૌણ સેવા તરફથી લેવામાં આવવાનું હતું. પણ છેલ્લી ઘડીએ આ પેપર GTUને આપી દેવામાં આવ્યું. પછી ગૌણ સેવાએ હાથ ઊંચા કરી દીધા. તો પછી ઉનાવા નાગરિક કેન્દ્રમાં શું બન્યું? જે મહેસાણામાં આવેલું છે. આ તો વર્ષ 2018ની પરીક્ષા હતી. કોઈ વર્ષ 2021 કે 2022માં લેવાનારી પરીક્ષા ન હતી. પાંચ વર્ષથી વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા હતા. હવે જ્યારે પેપર ફૂટી ગયું એવી ખબર પડે તો વિદ્યાર્થીને રીતસરનો ઘા લાગે છે. આ વિદ્યાર્થીઓની વેદના કોઈ સમજતું નથી. આવી ઘટના આવે એટલે સરકાર ખો રમી નાંખે છે.

