HomeGujaratઘોડાપુર / જગતમંદિરમાં કાળિયા ઠાકોર સાથે રંગે રંગવા ભક્તો આતુર

ઘોડાપુર / જગતમંદિરમાં કાળિયા ઠાકોર સાથે રંગે રંગવા ભક્તો આતુર

દ્વારકા જગતમંદિરે કાળિયા ઠાકોર સંગ રંગે રંગાવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. બે વર્ષ બાદ કોરોનાના નિયમો હળવા થતા ધુળેટી પર્વ ઉજવવા માટે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. દર વર્ષે દ્વારકાધીશ સંગ હોળી ધુળેટી નિમિત્તે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ તથા ભક્તો દ્વારકા ઉમટી પડે છે.

યાત્રાધામ દ્વારકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત રાખવા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, દેવસ્થાન સમિતિ ઉપરાંત કલેકટર તંત્ર સાથે પોલીસ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં ભાવિકો તથા યાત્રાળુઓ માટેની સુચારૂ વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, મંદિર વિભાગના ડી.વાય.એસ.પી. સમીર સારડા, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાની રાહબરી હેઠળ લોકોની ભીડ તથા ધક્કામુક્કી ન થાય તે માટે બેરીકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થા અગાઉની જેમ કીર્તિ સ્તંભ પાસેથી ગોમતી નદીના કાંઠેથી કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ સ્થળ પણ થોડે દૂર અને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું છે. આ માટે હોમગાર્ડસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ ફૂલડોલ ઉત્સવ દરમિયાન આશરે પાંચેક લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લ્યે તેવી સંભાવના વચ્ચે જરૂરી વ્યવસ્થા ગોઠવવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે. ગઈકાલે બુધવારે આશરે 1.15 લાખ દર્શનાર્થીઓ, જ્યારે આજે સવારે દસ વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર 80 હજાર કેટલા લોકો મંદિરમાં ઉમટી પડ્યા છે.

મંદિર પરિસરમાં દિવ્યાંગો તથા વૃધ્ધો માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી વ્યક્તિઓ સાથે એટેન્ડન્ટની છુટ તથા જરૂર પડ્યે પોલીસ અને હોમગાર્ડસના જવાનો પણ સેવા આપે છે. મંદિરમાં પ્રસાદી માટે વધારાના કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થી લોકોની ભીડ ન થાય તેમ જ ભાઈઓ તથા બહેનોની અલગ અલગ લાઈનો ચાલે તે માટે પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW