સુરતના પાંડેસરા વિસ્તારમાં 3 વર્ષ અગાઉ માતા-પુત્રીના ડબલ મર્ડરની ઘટના થઇ હતી આ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી તેમજ તેના સાથીને દોષી ઠેરવ્યા છે.જે બાદ સોમવારે તેને સજાનો આદેશ કરવામાં આવી છે. મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરને ફાંસી અને સહ આરોપી હરિઓમ ગુર્જરને આજીવનકેદની સજા કરવામાં આવી છે. સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર નહોતી. બન્ને લાશને જુદાં-જુદાં સ્થળે ફેંકી દેવાઈ હતી. જે-તે સમયે પોલીસે મહેનત કરીને આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા.બાદમાં ડીએનએ ટેસ્ટ બાદ એ અંગેની પૃષ્ટિ કરાઈ હતી. નરાધમે કિશોરી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી.
સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં આવતા ભેસ્તાન સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 6 એપ્રિલ, 2018ના રોજ 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. મૃતકના પીએમ કરાતા જાતીય હુમલો અને દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી, જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં લાવી આ લાશ કોઈ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતુ. જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી. બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતાં પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બંને માતા-પુત્રી હોવાનું ખૂલ્યું હતું. કારના આધારે પોલીસે આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી. કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતાં 4 માર્ચના રોજ કોર્ટમાં બન્ને આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.
આરોપી હર્ષસહાય માતા-દીકરીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. પર્વત પાટિયા પર બંનેની રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. બનાવના દિવસે આરોપીએ માતાને માર મારી ચાલુ કારમાં દીકરીની નજર સામે જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. કિશોરી સાથે ક્રૂરતાપૂર્વક વર્તી તેના ગુપ્તાંગમાં લાકડી નાખી તેની પણ હત્યા કરી નાખી હતી. બાળકી પર 78 જેટલી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. માતા અને બાળકીની લાશ અલગ-અલગ સ્થળેથી મળી હતી.

