મોરબીના જૂના બસ સ્ટેન્ડમાંથી બસમાં બેસતા પ્રવાસીઓના અનેક વખત મોબાઈલ ચોરાઈ ગયાની ફરિયાદ સામે આવી છે. પણ હવે તો પર્સ અને રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મોરબીના સિટી એ ડિવિઝનમાં આ ફરિયાદ કરવામાં આવી છે. મોરબીના જૂના બસ સ્ટેન્ડમાંથી કેશોદની એક મહિલાએ પર્સ ચોરાઈ ગયું હોવાની ફરિયાદ કરી છે. જેમાં સોના દાગીના અને રોકડ મળીને કુલ 1.76 લાખનો મુદ્દામાલ હતો. શખ્સો આ પર્સ લઈને નાસી છૂટ્યા છે.
પોલીસે આ કેસમાં તસ્કરને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલું કરી દીધી છે. મૂળ કેશોદના ઈન્દિરા પાર્કમાં રહેતા હમીબેન ચાવડા તા.23.2 ના રોજ સવારે દસ વાગ્યા આસપાસ મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે બસમાં બેસી પ્રવાસ કરી રહ્યા હતા. એ સમયે બસમાં ચડતી વખતે અથવા તો અંદર બેઠા બાદ પર્સમાં રહેલો સોનાનો હાર, વીટી, લોકેટ અને રોકડ કુલ મળી 1.76 લાખનો માલ કોઈ અજાણ્યો શખ્ય ચોરી ગયું હતું. ભોગ બનેલા આ મહિલાએ મોરબીના સિટી એ ડિવિઝનમાં કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોરબીમાં જૂના બસ સ્ટેન્ડમાંથી ચોરી થઈ હોય એનો આ પહેલો બનાવ નથી. આ પહેલા પણ ઘણા પ્રવાસીઓના મોબાઈલ ચોરાયા છે. મોરબી બસ સ્ટેન્ડ આસપાસ એક ચોક્કસ ટુકડી સક્રિય થઈ હોય એવો આ ઘાટ છે. જૂના બસ સ્ટેન્ડ પાસેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ બસમાં ઊતરતા ચડતા હોય છે. ભીડનો લાભ લઈ ખિસ્સા ખાલી કરનારા તથા તસ્કરો આવી ઘટનાને અંજામ આપે છે. મોબાઈલ અને કિંમતી વસ્તુઓની ચોરી અત્યાર સુધી થયેલી છે. જોકે, આ વિસ્તારમાંથી પોલીસ તપાસ કે નક્કર કોઈ પગલાં લેવાતા નથી એ પણ હકીકત છે.

