ઈડરના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતુ કનોડિયા બુધવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યા તેમણે કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે મીડિયા સાથેની એક મુલાકાતમાં કહ્યું કે, કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ પરમાર ભાજપમાં આવે તો અમે એમને આવકારીશુ. દિલની ભડાશ તમે બધા જાણો છો. કોંગ્રેસથી બધા લોકો કંટાળી ગયા છે. જયરાજસિંહ પણ કોંગ્રેસ પાર્ટીથી કંટાળ્યા હતા. ભાજપમાં આવે તો એમનું સ્વાગત છે.
અમે સ્વાગત કરવા માટે તૈયાર છીએ. આ એક જાણે ટ્રેન્ડ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં એમનાથી એટલા બધા લોકો કંટાળી ગયા છે કે, લોકો ભાજપ તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ સૌનું સ્વાગત કરવા, વિકાસનું કામ કરવા સારા લોકો આ પક્ષમાં જોડાય એ માટે પક્ષ હંમેશા તૈયાર છે. ગુજરાત કોંગ્રેસના જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી તથા નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડી દેવા નિર્ણય કર્યો હતો. ચાર વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વચન કર્યા બાદ ટિકિટ પણ ન આપી. પછી કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમારે રાજીનામું આપી દીધું. આવનારા બેથી ત્રણ દિવસમાં તેઓ ભાજપમાં જોડાશે. એવું ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજીનામું આપી દીધા બાદ તેમણે એક પત્ર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું નેતૃત્વ કરતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ થતાં નિરાશા સાંપડી હતી. પછી કોંગ્રેસ છોડવા માટેનો નિર્ણય કર્યો હતો. ઉત્તર ગુજરાતના તેમના સમર્થકો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
આજે સવારે જયરાજસિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવક્તા સહિતના તમામ હોદ્દાઓ હટાવી દીધા હતા. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો યથાવત રાખ્યો છે. ટ્વિટર એકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો મતલબ તેમણે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે. એ વાત હવે નક્કી થઈ ગઈ છે. જોકે, ગુરૂવારે તેમણે એવું પણ નિવેદન આપ્યું હતું કે, હું પક્ષ છોડી રહ્યો છું રાજનીતિ નહીં.

