માળિયા તાલુકાના છેવાડાના ગામ એવા બગસરાગામના માર્ગમાંથી લાંબા સમયથી ઓવરલોડ મીઠા ભરેલાટ્રકની અવર જવર રહે છે. જેના કારણે આ મીઠું રસ્તા પર ઢોળાઈ છે. અને ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જ્યાંથી ટ્રકની અવરજવર રહે છે. તે રસ્તા પર પ્રાથમિક શાળા આવેલ છે અને ટ્રકના કારણે બાળકોના જીવ પર પણ જોખમ હોવાનું જણાવી ગ્રામજનોએ તાત્કાલિક તેમના ગ્રામમાંથી મીઠા ભરીને નીકળતા ટ્રકની અવરજવર બંધ કરવા માંગણી કરી છે.

આ ઉપરાંત ગામના લોકોને રોજગારી મળી રહે અને અન્ય કોઈ બહારની વ્યક્તિ મીઠાના અગર પર ગેરકાયદે કબજો ન કરે તે માટે ગામ લોકોને મીઠાના અગરની જમીન ફાળવણી કરવાનો આદેશ કરવામાં આવે તેવી પણ ગામલોકોએ માંગણી કરી છે આ બન્ને બાબતે ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવ્યો હોય જેથી રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર બન્ને માંગ મુદે ઝડપથી કાર્યવાહી કરે તેવી અંગે રજૂઆત કરી છે જો બન્ને માંગણી મુદે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર એક્શન નહી લે તો 30 દિવસમાં કોર્ટ કાર્યવાહી કરવાની તેમજ રોડ પર ચાલતા ટ્રક રોકાવવાની પણ ચીમકી આપી છે.

