રાજકોટમાં સવારથી જ ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમ ઓચીંતી પોલીસ કમિશનર કચેરી અને પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી હતી. જ્યાં પાર્ક કરવામાં આવેલી કાર, મોટરસાઈકલ, વાહનોનાા નંબરના આધારે તેના ઈ-મેમો પેન્ડીંગ છે કે કેમ ? તે અંગેનની ચકાસણી કરીને રૂપિયા 29, 700નો પેન્ડીંગ ઈ-મેમો તથા કાળા કાચ કે ફેન્સી નંબર પ્લેટ હોય તો તેના કેસ કરીને રૂપિયા 13, 200નો દંડ વસુલ કરાયો હતો.

રાજકોટના રાજમાર્ગો ઉપર જ્યારથી સીસીટીવી કેમેરા લગાવાયા છે ત્યારથી નિયમોનું ભંગ કરનારા વાહનચાલકો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં નિયમોનો ભંગ કરનારા અનેક લોકોને ઈ-મેમોના માધ્યમથી દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આ દંડની ભરપાઈ નહીં કરનારા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા તવાઈ બોલાવાઈ છે. આજે ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમોએ પોલીસ કમિશનર કચેરી અને પોલીસ હેડક્વાર્ટર ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું.

જેમાં પાર્ક કરવામાં આવેલા વાહનોના નંબરો ચકાસીને બાકી રહેલા દંડની રકમ વસુલવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ટ્રાફિક શાખાએ રૂપિયા 29, 700નો પેન્ડીંગ ઈ-મેમો વસુલ્યો હતો. તેમજ વાહનોમાં કાળા કાચ તથા ફેન્સી નંબર પ્લેટ કે નંબર પ્લેટ હોય નહીં તેવા 29 વાહનો ઉપર કેસ કરીને રૂપિયા 13, 200નો દંડ વસુલ કરાયો છે. જ્યારે જે વાહનના ઈ-મેમો પેન્ડીંગ હોય અને તેના ચાલક હાજર હોય નહીં તેવા 10 વાહનોને ટોઈંગ કરીને લઈ જવાયા હતાં.

