જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામે રહેતા યુવાનને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ હનિટ્રેપમાં ફસાવી રૂપિયા ત્રણ લાખની ખંડણી માગી હતી. પોલીસે મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ભેસાણ તાલુકાના ધોળવા ગામે રહેતા ભાવેશ રામજીભાઈ બોરડ (ઉ. 35) નામનો યુવાન પોતાનું બાઈક લઈને જૂનાગઢ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ભેસાણ ચોકડી પાસે મહિલાએ લીફ્ટ માગી હતી. મહિલાએ લીફ્ટ માગતા યુવાને મહિલાને પોતાની બાઈકમાં બેસાડીને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ એક બાઈકમાં આવેલા બે શખસોએ ભાવેશ પાસે આવીને પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળખ આપીને તમારી સાથે મહિલા કોણ છે કહી શુ કામ બીજાની પત્નીને લઈ જાવ છો કહીને મહિલાને લીફ્ટ આપનાર યુવાનનું અપહરણ કરીને જૂનાગઢ લઈ ગયાં હતાં. જ્યાં યુવાન પાસે રૂપિયા 3 લાખની ખંડણી માગી હતી.

લાંબી વાતચીત બાદ ખંડણીની રકમ 1.20 લાખ નક્કી થઈ અને આરોપીઓએ યુવાનના સુરત રહેતા ભાઈ મુકેશને ફોન કરીને આંગડીયામાં 1.20 લાખની રકમ મોકલવાનું જણાવ્યું હતું. તેને શંકા જતા તેમણે ગામના આગેવાનને આ અંગે સમગ્ર માહિતી આપી હતી અને પોલીસને જાણ કરી હતી. જિલ્લા પોલીસ વડા રવિ તેજાએ અપહરણ કરાયેલા યુવાનને છોડાવી આરોપીઓ અરવિંદ ઉર્ફે અનીલ અંબાભાઈ ગજેરા, જિન્નત ઉર્ફે બીબીબેન રફીક મકવાણા, ભરત ડાયાભાઈ પારઘીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે જિન્નત મકવાણા ઉપર રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હનિટ્રેપનો ગુનો નોંધાયો છે.

