મહેસાણા જિલ્લામાંથી સંબંધની મર્યાદા પાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ઉંમરનો ભેદ ભૂલાયો અને પ્રેમમાં બે વ્યક્તિઓ અંધ બની ગઈ હતી. મહેસાણામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બની રહ્યો છે. 23 વર્ષીય પરિણીતાને 15 વર્ષના કિશોર સાથે પ્રેમ થયો હતો. પ્રેમ તો ઠીક તે 15 વર્ષના કિશોરને લઈને પણ ભાગી ગઈ હતી. ખાસ વાત એ છે કે, આ મહિલા એક સંતાનની માતા છે. આ રીતે ભાગેલા પ્રેમી પંખીડાને તાપી જિલ્લાના એ ડિવિઝન પોલીસે સોનગઢ પાસેના એક ગેસ્ટહાઉસમાંથી પકડી પાડ્યા છે.
તા.25મી જાન્યુઆરીએ મહેસાણામાંથી એક 15 વર્ષનો યુવાન ગુમ થઈ ગયો હતો. જેથી એ ગુમ થવાની ફરિયાદ માતા પિતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તપાસ કરી ત્યારે કિશોરનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું. 15 વર્ષનો કિશોર પોતાની સાથે એક સોનાનો ચેઈન, 10 હજાર રોકડા અને છ જોડી કપડાં લઈને મહિલા સાથે ભાગી ગયો હતો.પોલીસને એવી આશંકા ગઈ હતી કે કંઈક અસાધારણ સામે આવશે. બન્યું પણ એવું જ. મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા આ લોકેશન દક્ષિણ ગુજરાત તાપી બાજુંનું દેખાડતું હતું. તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાં મોબાઈલ લોકેટ થયો હતો. પોલીસે એ ટીમને તાપી માટે રવાના કરી હતી. જ્યાં કિશોર એક મહિલા સાથે ગેસ્ટહાઉસમાંથી મળી આવ્યો હતો. જ્યાં તે મહિલા સાથે રહ્યો હતો. જ્યારે પોલીસે બંનેની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. 23 વર્ષની મહિલા 15 વર્ષના કિશોરને પોતાની સાથે ભગાડીને લઈ ગઈ હતી. તા.25મી જાન્યુઆરીએ પ્લાન અનુસાર કિશોર અને મહિલા ભાગી ગયા હતા.
કિશોર અને મહિલા મહેસાણાના બસ સ્ટેન્ડથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. પહેલા વડોદરાથી તેઓ ભરૂચ અને પછી સુરતમાં રોકાઈને તાપી જિલ્લાના સોનગઢ પહોંચ્યા હતા. કિશોરના પિતાએ એના મોબાઈલ નંબર પર ફોન કરતા એક મહિલાએ ફોન રીસિવ કરતા આશંકા મજબુત બની હતી. પછી બંને જણા ભાગી ગયા હોવાનું જણાવી દીધું હતું. આ વાત સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મહિલાના પ્રેમમાં પાગલ થયેલા કિશોરે ઘરે ખોટું બોલ્યું હતું. ઘરે કિશોરે કહ્યું કે, પપ્પાનો ચેઈન પહેરી ફોટો પડાવીને આવું છું. પછી રૂ.50,000માં વડોદરામાં ચેઈન ગીરવે મૂકી દીધો હતો.

